મંત્રી બચુ ખાબડના નાના પુત્ર કિરણ ખાબડ અને ડેપ્યુટી ડીડીઓ રસિક રાઠવાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાનો દાહોદ કોર્ટ દ્વારા હુકમ
દાહોદ:
દાહોદમાં મનરેગા કૌભાંડમાં વધુ બે આરોપીઓને આજરોજ કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા બંને આરોપીઓને કસ્ટડીમાં મોકલી દેવાનો હુકમ કર્યો હતો. જેમાં મંત્રી બચુભાઈ ખાબડના નાના પુત્ર કિરણ ખાબડ અને ડેપ્યુટી ડીડીઓ રસિક રાઠવાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાનો દાહોદ કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.
દાહોદમાં મનરેગા કૌભાંડ બહાર આવતા આ મામલે દાહોદ ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારે દાહોદ પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરતા એક પછી એક આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં દાહોદના રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડના બંને પુત્રો, બળવંત ખાબડ અને કિરણ ખાબડના પણ નામ આરોપીઓમાં સામેલ થતાં દાહોદ પોલીસ દ્વારા મંત્રીના ઉપરોક્ત બંને પુત્રોની પણ ધરપકડ કરી હતી જેમાં આ બંને પુત્રોના પોલીસે રિમાન્ડ પણ મેળવ્યા હતા. ગતરોજ મંત્રીના મોટા પુત્ર બળવંત ખાબડના રિમાન્ડ પૂરા થયા હતા અને તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. ત્યારે આજરોજ મંત્રીના બીજા પુત્ર કિરણ ખાબડ અને તેની સાથે સાથે ડેપ્યુટી ડીડીઓ રસિક રાઠવાના પણ રિમાન્ડ પુરા થતા આ બંને આરોપીઓને આજરોજ દાહોદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં કોર્ટ દ્વારા આ બંને આરોપીઓને કસ્ટડીમાં મોકલી દેવાનો હુકમ કરવામાં આવ્યો છે.
બચુ ખાબડ વડાપ્રધાનના કાર્યક્રમના સ્થળની મુલાકાતે પહોંચ્યા

એક તરફ દાહોદમાં મનરેગા કૌભાંડ ચર્ચાની એરણે ચડ્યું છે તો બીજી તરફ વડાપ્રધાન મોદી આગામી 26મી મેના રોજ દાહોદ આવી રહ્યા છે અને તેમાંય ખાસ કરીને આ મનરેગા કૌભાંડમાં રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ ના બંને પુત્રોની આ મનરેગા કૌભાંડમાં સંડવણી બહાર આવતા મંત્રી બચુભાઈ ખાબડાના રાજીનામાની માંગ પણ ઉઠવા પામી છે ત્યારે આજરોજ મંત્રી બચુભાઈ ખાબડ અને તેના સહયોગીઓ દ્વારા જ્યાં વડાપ્રધાન મોદી દાહોદ ખાતે આવી રહ્યા છે તે ખરોડ મુકામની પરિસ્થિતિની તૈયારીઓની મુલાકાતે પહોંચ્યા હતા. જેના પરથી કહી શકાય કે મંત્રી બચુભાઈ ખાબડ વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર છે.