દાહોદ તા.૧૩
મધ્યપ્રદેશ પાસિંગની ચોરીની મોટરસાયકલ પર મહારાષ્ટ્ર રાષ્ટ્ર પાસીંગની ખોટી નંબર પ્લેટ લગાડેલી મોટરસાયકલ લઈ કોઈ ગુનો કરવાના ઇરાદે નીકળેલા મધ્યપ્રદેશના ભોપાલ જિલ્લાના ચાર ઈસમો પૈકી બે જણાને મોટરસાયકલ સાથે દાહોદ શહેર બી ડિવિઝન પોલીસે છાપરી ગામે બોરવાણી ચોકડી પાસેથી રાત્રિના સમયે ઝડપી પાડયા હતાં. જયારે અન્ય બે જણા પોલીસને ચકમો આપી અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યાનું જાણવા મળ્યું છે.
ગઈકાલે રાત્રિના દસેક વાગ્યાના સુમારે દાહોદ શહેર બી ડિવિઝન પોલીસની ટીમ છાપરી ગામે બોરવાણી ચોકડી પાસે બંને તરફથી આવતા જતા નાના મોટા વાહનોના ચેકિંગમા વ્યસ્ત હતી. તે દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી મહારાષ્ટ્ર પાસિંગની એમ.એચ-૦૫-એફ.એફ.-૦૮૨૬ નંબરની મોટરસાયકલ પર સવાર ચાર જણા વોચમાં ઉભેલી પોલીસને શંકાસ્પદ થતા જણાતા પોલીસે તે મોટરસાયકલ રોકતાં, મોટરસાયકલ પર સવાર ચાર પૈકી મધ્યપ્રદેશના ભોપાલ જિલ્લાના અમન કોલોનીના રિઝવાનખાન જમાન ઈરાની તથા શૈખુ મનોજખાન પોલીસને ચકમો આપી રાત્રિના અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા. જયારે મોટરસાયકલ પર બેઠેલા મધ્યપ્રદેશના એમ.આઈ. નગર અમન કોલોનીના ઝુલ્ફીકાર જાવેદ ઈરાની તથા ભોપાલ સંજય કોલોનીમાં રહેતા મોહમ્મદ સાદીક સૈયદને પોલીસે દબોચી લીધા હતા. તેઓની પાસેની મહારાષ્ટ્ર પાસિંગના નંબરવાળી નંબર પ્લેટ લગાડેલી મોટરસાયકલના એન્જિન નંબર તથા ચેસીસ નંબર ચકાસી તપાસ કરતા તે મોટરસાયકલ મધ્યપ્રદેશમાંથી ચોરીને લાવેલા હોવાનું તેમજ તે મોટર સાયકલ મોટરસાયકલનો ખરો નંબર એમ.પી. ૦૪-વાય. ડી-૮૯૪૪ હોવાનું જણાઈ આવ્યું હતું. આ સંબંધે દાહોદ શહેર બી ડિવિઝન પોલીસે મધ્યપ્રદેશના ઉપરોક્ત ચાર જણા વિરુદ્ધ કોઈ ગુનો કરવાના ઇરાદે ખોટી નંબર પ્લેટ હોવાનું જાણવા છતાં તેનો સાચા તરીકે ઉપયોગ કરવા સબબ બી.એન.એસ. કલમ ૩૩૮,૩૪૦(૨),૫૪ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયેલ રિઝવાનખાન જમાન ઇરાની તથા શૈખુ મનોજખાનની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.