દાહોદ:
દાહોદ શહેરના ગોદી રોડ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાને લઈ ભાજપ ના ચાલુ સત્રના કાઉન્સીલર લખન રાજગોર દ્વારા આત્મવિલોપનની ચીમકી સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
દાહોદ શહેરના ગોદી રોડ વિસ્તારમાં આશરે ૩૦,૦૦૦ જેટલી વસ્તીમાં કડાણા ડેમમાંથી આશરે ૮૪ કિ.મી. પાઈપ લાઈનથી પાણી પુરવઠો આપવામાં આવે છે.કડાણા ડેમમાંથી છેલ્લા ઘણા સમયથી અનેક કારણોસર ગોદી રોડ વિસ્તારમાં પાણી પુરવઠો નિયમિત આપવામાં આવતો નથી. ગોદી રોડ વિસ્તારમાં ૮ થી ૧૦ દિવસ સુધી પાણી સપ્લાય આપવામાં નહી આપતા ગોદી રોડની પ્રજાને પાણી માટે વલખા મારવા પડે છે.તેમજ દાહોદ જિલ્લા વહીવટીતંત્ર ધ્વારા પાણી પુરવઠો ગોદી રોડની પ્રજાને નિયમિત ન મળતો હોય તે અંગે જરૂરી ટેન્કર ધ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવતી નથી. અવાર નવાર પાણી પુરવઠા કચેરી દાહોદના અધિકારીને તેમજ સંતરામપુર એમ.જી.વી.સી.એલ.ના જવાબદાર અધિકારીઓને રજુઆતો કરવા છતાં બહેરા કાને અમારી રજુઆત અથડાઈ પરત આવે છે. ગોદી રોડની પ્રજાને નિયમિત પાણીની સપ્લાય નહી મળવાથી નગર પાલિકાના કાઉન્સીલર તરીકે પ્રજાની ગંભીર સમસ્યા હલ કરી શકતા નથી. તેમજ ગોદી રોડની પ્રજાનો આક્રોશનો ભોગ સ્થાનિક કાઉન્સીલર બની રહયા છીએ.જેમાં વહેલામાં વહેલી તકે ગોદીરોડ વિસ્તારમાં પીવાના પાણીની સમશ્યા હલ કરવામાં આવે એવી માંગ સાથે દાહોદ જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેને આત્મવિલોપનની ચિમકી સાથે કાઉન્સિલર લખન ભાઈ રાજગોર દ્વારા આવેદનપત્ર પાઠવ્યું હતું.
