જો લાઈનથી ભટક્યા તો સમજો અટક્યા

વડોદરા શહેરમાં તમામ તહેવારો ઉત્સાહભેર ઉજવવામાં આવતા હોય છે, અને ખાસ કરીને જ્યારે નવા વર્ષના વધામણા હોય તો પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ વર્ષ 2024 ને બાય બાય અને વર્ષ 2025 ને આવકારવા માટે યુવાધનમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ત્યારે આવી ઉજવણી વચ્ચે કેટલાક અસામાજિક તત્વો અને નશેબાજો પણ પોતાની કરતુતોથી બાજ નથી આવતા. ત્યારે આ વખતે વડોદરા શહેર પોલીસ વિભાગ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી ગયો છે.
એન.ડી.પી.એસની ખાસ કીટ મારફતે તેમજ બ્રેથ એનેલાઇઝર દ્વારા પણ જાહેર માર્ગો પરથી પસાર થતા વાહન ચાલકોને રોકી તેમની ખાસ તપાસ કરવામાં આવી રહી છે. તેવામાં વડોદરા શહેરના પોલીસ વિભાગના ડીસીપી અભય સોનીએ પણ દારૂડિયાઓને પકડવા માટે જોરદાર તરકીબ અજમાવી છે.
શહેરના અકોટા દાંડિયા બજાર બ્રિજ ઉપર પોલીસે રાત્રિ દરમિયાન ચેકિંગમાં રોડ ઉપર દોરેલી સફેદ લાઈન ઉપર લોકોને ચલાવ્યા હતા. સફેદ લાઈનની બહાર પગ ગયો અને લથડિયા ખાઈને કોઈ ચાલે તો તેની તપાસ કરવામાં આવી છે. બ્રેથ એનેલાઇઝર મશીનથી પણ ચેક કરી પીધેલાઓને પકડવામાં આવ્યા છે. હાલ તો ડીસીપી અભય સોનીની આ તરકીબથી દારૂડિયાઓ પણ હવે માથું ખંજવાળવા લાગ્યા છે.