Limkheda

દાંતીયા ગામ પાસે અજાણ્યા વાહનની ટક્કરે દીપડાનું મોત

દાહોદ–લીમખેડા હાઈવે પર ફરી વન્યજીવનો ભોગ

લીમખેડા
દાહોદ–લીમખેડા નેશનલ હાઈવે પર આવેલા દાંતીયા ગામ પાસે આજે વહેલી સવારે એક દુઃખદ ઘટના બની હતી. હાઈવે ઓળંગી રહેલા દીપડાને પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ટક્કર એટલી પ્રચંડ હતી કે દીપડો ઉછળીને હાઈવેના ડિવાઈડર પર પટકાયો હતો, જ્યાં તે મૃત હાલતમાં મળી આવ્યો હતો.
સ્થાનિક સૂત્રો મુજબ, દાહોદ અને આસપાસના જંગલ વિસ્તારોમાંથી વન્યજીવોની અવરજવર અવારનવાર જોવા મળે છે. આજે વહેલી સવારે શિકાર કે પાણીની શોધમાં નીકળેલો દીપડો અંધકારના સમયે હાઈવે ક્રોસ કરી રહ્યો હતો, ત્યારે અજાણ્યા ભારે વાહને તેને ટક્કર મારી અને અકસ્માત સર્જીને ફરાર થઈ ગયું હતું.
રૂટિન પેટ્રોલિંગ દરમિયાન નેશનલ હાઈવે પેટ્રોલિંગ ટીમની નજર ડિવાઈડર પર પડેલા વન્યજીવ પર પડી હતી. તપાસ કરતા તે દીપડો હોવાનું અને તેનું મોત થઈ ચૂક્યું હોવાનું સામે આવ્યું હતું. તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવતા વન અધિકારીઓ અને કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને દીપડાના મૃતદેહનો કબજો લીધો હતો.

પોસ્ટમોર્ટમ બાદ કારણ સ્પષ્ટ થશે
વન વિભાગે દીપડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ દીપડાની ઉંમર અને મોતના ચોક્કસ કારણો અંગે સ્પષ્ટતા થશે. સાથે સાથે અકસ્માત સર્જી ફરાર થયેલા વાહન અંગે આસપાસના વિસ્તારોમાં તપાસ પણ હાથ ધરવામાં આવી છે.
આ ઘટનાને પગલે સ્થાનિક ગ્રામજનો અને વન્યજીવ પ્રેમીઓમાં ચિંતા વ્યાપી ગઈ છે. અવારનવાર હાઈવે પર દીપડા, નિલગાય સહિતના વન્યજીવો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામતા હોવાના બનાવો સામે આવી રહ્યા છે, જે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે.
વન્યજીવ પ્રેમીઓ દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે કે જંગલ વિસ્તારની બોર્ડર પરથી પસાર થતા હાઈવે પર વાહનોની ગતિ મર્યાદા, ચેતવણી સૂચક બોર્ડ, શાઈન બોર્ડ તેમજ પેટ્રોલિંગ વધારવા જેવા તાત્કાલિક પગલાં લેવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવી શકાય.

રિપોર્ટર: દિનેશ શાહ |

Most Popular

To Top