કાંસમાં ગટરનું જોડાણ અને સફાઈના અભાવથી રહેવાસીઓ પરેશાન, મચ્છરજન્ય રોગચાળાનો ભય
તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવાની ચીમકી
વડોદરા: શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા લકડી પુલ પાસે વરસાદી કાંસની સફાઈ લાંબા સમયથી ન થવાથી સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. વોર્ડ નં. 13ના કોંગ્રેસ નગરસેવક બાળુ સુર્વેએ વડોદરા મહાનગરપાલિકા સામે ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, કાંસમાં ગટરનું જોડાણ હોવાથી સતત ગંદું પાણી ભરાઈ રહે છે. જેના કારણે આસપાસના વિસ્તારોમાં ગંદકી અને દુર્ગંધ ફેલાઈ રહી છે. મચ્છરોનો ઉપદ્રવ વધતા રહેવાસીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. અનેક રહેવાસીઓ તાવ, ડેન્ગ્યુ, મલેરિયા જેવી બીમારીઓથી પીડાઈ રહ્યા છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને આરોગ્યની ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

બાળુ સુર્વેએ જણાવ્યું હતું કે, વરસાદી ઋતુમાં સુરસાગર તળાવનું પાણી ઓવરફ્લો થઈને સીધું વિશ્વામિત્રી નદીમાં જાય છે, પરંતુ કાંસની સફાઈ ન થવાને કારણે પાણીનો પ્રવાહ અટકી જાય છે અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે. જેના કારણે વાહનચાલકો અને પેદલ ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
નગરસેવક સુર્વેએ આ અંગે વોર્ડના જવાબદાર અધિકારીઓ સામે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી. તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે જો તાત્કાલિક સફાઈની કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવશે અને જરૂર પડશે તો સ્થાનિકો સાથે આંદોલન પણ કરાશે.

સ્થાનિક રહેવાસીઓએ પણ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે. તેઓએ જણાવ્યું કે, વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ અસર થતી નથી. રહેવાસીઓ તાત્કાલિક સફાઈ અને ગટરનું જોડાણ દૂર કરવાની માંગ કરી રહ્યા છે, જેથી ગંદકી અને મચ્છરોના ઉપદ્રવથી છુટકારો મળી શકે.
આ સમગ્ર મુદ્દે વાડોદરા મહાનગરપાલિકા દ્વારા કઈ કાર્યવાહી કરવામાં આવે છે, એ જોવું રહ્યું. પરંતુ હાલ તો દાંડિયા બજાર વિસ્તારમાં લકડી પુલ પાસે રહેવાસીઓ ગંદકી અને આરોગ્યની સમસ્યાઓથી પરેશાન છે અને તાત્કાલિક પગલાંની અપેક્ષા રાખી રહ્યા છે.