Vadodara

દાંડિયાબજારમાં આવેલ જ્વેલર્સની દુકાનમાંથી રોકડ સહિત રૂ.14.08 લાખના મતાની ચોરી..

ગેસ કટરની મદદથી દુકાનની અંદર પ્રવેશી લાકડાંનો દરવાજો ખોલી તસ્કરોએ ખેલ પાડ્યો

(પ્રતિનિધિ) વડોદરા તા. 24

શહેરના દાંડિયાબજાર વિસ્તારમાં આવેલા મહારાષ્ટ્ર લોજની સામે આવેલ ગોલ્ડ પોઇન્ટ જ્વેલર્સ નામની દુકાનમાં ગત તા 22મી સપ્ટેમ્બરે અજાણ્યા તસ્કરો દ્વારા દુકાનમાંથી રોકડ રકમ રૂ.8000 તથા સોના-ચાંદીના દાગીના મળીને કુલ રૂ.14.08લાખની ચોરી થઇ હતી જેની પોલીસ ફરિયાદ રાવપુરા પોલીસ સ્ટેશને કરાતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
સમગ્ર હકીકત અનુસાર, શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા મામાની પોળ ખાતે રહેતા રમેશભાઇ જગન્નાથ પાલકર પરિવાર સાથે રહે છે અને પુત્ર વૈભવ સાથે દાંડિયાબજાર વિસ્તારમાં આવેલા મહારાષ્ટ્ર લોજ સામે ગોલ્ડ પોઇન્ટ જ્વેલર્સ નામની દુકાનમાં ધંધો કરી ગુજરાન ચલાવે છે તેઓ સવારથી રાત્રે દસ વાગ્યા સુધી સોના-ચાંદીના ઘરેણાનુ વેચાણ તથા ઘડામણ ,રિપેરિંગ કામ કરે છે ગત તા. 22સપ્ટેમ્બરે રાત્રે સાડા આઠની આસપાસ દુકાન બંધ કરી પોતાના ઘરે ગયા હતા તથા સોમવારે સાંજે 5વાગ્યે રમેશભાઇ પોતાના પુત્ર વૈભવ સાથે દુકાને ચાંદીનું રિપેરિંગ કામ હોય દુકાનનુ બહારથી લાગલ તાળું ખોલી અંદર ગયા હતા ત્યારે દુકાનમાં સામાન વેરવિખેર હાલતમાં હતો તથા શો કેશમાં મૂકેલા સોના ચાંદીના ઘરેણાં ગાયબ હતા તથા દુકાનની અંદર બાજુએ રૂમનો દરવાજો ખુલ્લો હતો જ્યાં ગેસ કટર મળી આવેલ જ્યાંથી ઉપર આગાસીમા આવેલ લોખંડનો જાળી કાપેલી હાલતમાં હતી સાથે સાથે સીસીટીવી કેમેરા પણ તૂટેલી હાલતમાં હતા. ડીવીઆર બગડેલ હોય રિપેરિંગમા હતું. અહીં સોનાની બુટ્ટીઓ, ચેઇનો, ચુન્નીઓ, કડીઓ, પેંડલ, વિંટીઓ, ચાંદની લક્કીઓ ,કંદોરા સાંકળા, કડા, વેઢ, નજરિયા મળીને સોના ચાંદીના દાગીના મળીને કુલરૂ. 14 લાખ તથા રોકડ રકમ રૂ.8000મળીને કુલ 14,08,000ના મતાની ચોરી કરી હોવાની ફરિયાદ રાવપુરા પોલીસ સ્ટેશને થતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top