*યુવકના માતા સવારે દૂધ લેવા નિકળ્યા ત્યારે દરવાજાનો નકૂચો તૂટેલી હાલતમાં જોતાં ચોરી થયાનું જણાયું*
*સોનાના દાગીના જેની આશરે કિંમત રૂ 4,00,000 તથા રોકડ રકમ રૂ 40,000મળીને આશરે કુલ રૂ.4,40,000ના મુદ્દામાલની ચોરી*
(પ્રતિનિધિ) વડોદરા તા. 23
શહેરના દાંડિયાબજાર વિસ્તારમાં રહેતા અને એચડીએફસી બેંકમાં સેલ્સ ઓફિસર તરીકે ફરજ બજાવતા યુવક તથા પરિવાર બીજા મકાનમાં સૂવા માટે ગયો ત્યારે ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર બંધ મકાનના નકૂચો તોડી ઘરમાંથી સોનાના દાગીના તથા રોકડ રકમ મળી આશરે કુલ રૂ.4,40,000 ના મુદ્દામાલની ચોરી થઇ હોવાની રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદના આધારે પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના દાંડિયાબજાર વિસ્તારમાં જંબુબેટ રોડ ખાતેના જોષી બિલ્ડિંગ પાછળ દીપ ભોલાભાઇ કહાર નામનો યુવક પોતાના પરિવાર સાથે રહે છે અને અલકાપુરી,એચડીએફસી બેકની રૂસ્તમ કામા બ્રાન્ચમા સેલ્સ ઓફિસર તરીકે ફરજ બજાવે છે.બે માળના મકાનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર તેઓ રહે છે. જ્યારે ઉપરનું મકાન ભાડે આપેલું છે. તેઓ ગત 22 ફેબ્રુઆરીના રોજ પોતાના મિત્રના લગ્નમાં ગયા હતા. જ્યાંથી રાત્રે આશરે એક વાગ્યે પરત ફર્યા હતા .ગત 16 ફેબ્રુઆરીના રોજ દીપના લગ્ન થયા હતા તે સમયે ફરાસખાનાનો કેટલોક સામાન ઘર બહાર તથા ખુરશીઓ ગ્રાઉન્ડ ફ્લોર મકાનમાં હતી. જેને લેવા ફરાસખાનાના માણસો આવ્યા હોય દીપ ભાઇએ ગ્રાઉન્ડ ફ્લોર પર સામાન ફરાસખાનાવાળાઓને બહાર કાઢી આપી મકાનના દરવાજાને તાળું મારી ફળિયામાં તેમના બીજા મકાનમાં સૂવા માટે ગયા હતા. તા.23 ફેબ્રુઆરીના રોજ સવારે દીપના મમ્મી દૂધ લેવા માટે નિકળ્યા ત્યારે દરવાજો ખૂલ્લો જોયો હતો અને દરવાજાનો નકૂચો તૂટેલો જણાતાં તેમણે દીપને જગાડી મકાનમાં તપાસ કરતાં ઘરમાં સરસામાન વેરવિખેર હતો તથા તિજોરીમાંથી સોનાની આશરે 30ગ્રામ વજનની લક્કી જેની અંદાજે કિંમત રૂ 1,50,000, સોનાની આશરે 49.50ગ્રામ વજનની મગ માળા જેની અંદાજે કિંમત રૂ 2,50,000 તથા રોકડ રકમ રૂ.40,000મળી આશરે કુલ રૂ.4,40,000ની ચોરી થયાનું જણાતા સમગ્ર મામલે રાવપુરા પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે તપાસ, પૂછપરછ સહિતની કાર્યવાહી હાથ ધરી છે