દાહોદ પોક્સો કોર્ટનો કડક ચુકાદો:
દાહોદ: દાહોદ જિલ્લામાં દસ વર્ષીય સગીરાનું અમાનવીય રીતે અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ કરનાર કુટુંબી સગાને દાહોદની ત્રીજા એડિશનલ સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા 20 વર્ષની સખત કેદ અને રૂ. 25 હજાર દંડની સજા ફરમાવવામાં આવી છે. સાથે જ પીડિતાના પુનઃસ્થાપન માટે રૂ. 4 લાખ Victim Compensation ચૂકવવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે. આ ચુકાદાથી જિલ્લામાં ચકચાર મચી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, દાહોદ જિલ્લાના એક ગામની 10 વર્ષીય માસૂમ દીકરીને તેના કુટુંબી સગા ગોરધનભાઈ રમેશભાઈ નાયકાએ “પત્ની તરીકે રાખી લઈશ” એવી લાલચ આપી અપહરણ કરી લઈ ગયો હતો. ત્યારબાદ તેના દ્વારા બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ઘટનાની ફરિયાદ ફતેપુરા પોલીસ મથકે નોંધાતા, તપાસ અધિકારી H.C. રાઠવાએ આરોપી સામે IPC કલમ 363, 366, 376AB, 376(2)(N) તેમજ POCSO Act કલમ 3/4/5 હેઠળ ગુનો દાખલ કરી ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી.
કેસની સુનાવણી દરમ્યાન એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર ટીના આર. સોની દ્વારા ડોક્યુમેન્ટરી અને મૌખિક પુરાવા મજબૂત રીતે રજૂ કરવામાં આવ્યા હતા. તમામ પુરાવા તથા દલીલોને માન્ય રાખી, જજ એસ. યુ. ડોડીયારે આરોપીને 20 વર્ષની કેદની સજા તથા દંડ ફરમાવ્યો હતો. ઉપરાંત સગીરાની પુનઃસ્થાપન પ્રક્રિયામાં મદદરૂપ થવા રૂ. 4 લાખની સહાય Victim Compensation Scheme હેઠળ ચૂકવવાનો આદેશ કર્યો છે.