છેલ્લા ઘણા સમયથી મેઘરાજા હાથતાળી આપી જતાં રહેતા શહેરમાં ઉકળાટભર્યા વાતાવરણથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા..
ચોમાસાની ત્રૃતુ શરૂ થઇ ચૂકી છે અને સમગ્ર દેશમાં મેઘરાજાએ વિધિવત વરસાદી માહોલ જમાવી દીધો છે. દેશના અનેક રાજ્યોમાંતો બારે મેઘ ખાંગા જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. ગુજરાતમાં પણ ઉત્તર, દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર જોવા મળી રહી છે. બનાસકાંઠા, જૂનાગઢ,રાજકોટ સહિત અન્ય સ્થળોએ મેઘરાજાએ વરસાદી પાણીની હેલી કરી નાંખી છે. નર્મદા તથા મહિસાગર જેવી નદીઓ, ડેમમાં નવા નીરની આવક વધી છે પરંતુ બીજી તરફ વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં મેઘરાજા છૂટાછવાયા વરસાદ આપતાં ખેડૂતોએ સંતોષ માનવો પડ્યો હતો. એક તરફ વાવણીનો સમય બીજી તરફ વડોદરા જિલ્લામાં મેઘ મહેરની રાહ જોવાતી હતી. વડોદરા શહેર જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમિયાન છૂટાછવાયા વરસાદી ઝાપટાં બાદ મેઘરાજા જાણે ખો આપતા હોય તેમ આખો દિવસ કાળાડિબાંગ વાદળો આકાશમાં રહેતા પરંતુ વરસાદ વરસતો ન હતો. છેલ્લા દસેક દિવસથી મેઘરાજાએ જાણે વિરામ લીધો હતો. બીજી તરફ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ખૂબ વધ્યું હતું જેના કારણે અસહ્ય ઉકળાટભર્યુ વાતાવરણ જોવા મળી રહ્યું હતું. લોકો ઉકળાટભર્યા વાતાવરણથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. વડોદરા જિલ્લાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં તો મેઘરાજાને વિનવવા મેહૂલિયો સહિત પૂજા પણ કરવામાં આવી હતી. આખરે દસેક દિવસના વિરામ બાદ આજે સવારથી ઉકળાભર્યા વાતાવરણ વચ્ચે બપોરે અઢી વાગ્યાની આસપાસ મેઘરઃજાએ વડોદરા શહેર જિલ્લા સહિત ધમાકેદાર એન્ટ્રી કરી હતી. સાર્વત્રિક મેઘમહેર થી બે કલાક ખાબકેલા વરસાદમાં શહેરના નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઇ ગયા હતા. શહેરમાં માંડવી, ચાર દરવાજા થી લહેરીપુરા રોડ, રાવપુરા ટાવર રોડ, વાઘોડિયારોડ ખાતે આવેલા જૂના બાપોદ જકાતનાકા વિસ્તારમાં તથા ઝવેરનગર સહિત શહેરના જલારઃમનગર કારેલીબાગ વિસ્તારમાં સાથે જ અન્ય નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાઇ ગયા હતા.
વડોદરા મહાનગરપાલિકાના ડ્રેનેજ લાઇનો, વરસાદી પાણીના નિકાલ માટેની કાંસો અંગે પ્રિ મોન્સુનની કામગીરીની પોલ ખુલી જવા પામી હતી.
શહેરના પૂર્વ વિસ્તાર વાઘોડિયારોડ સ્થિત જૂના બાપોદ જકાતનાકા ખાતે આવેલા વંદના હાઇસ્કુલ થી હરિઓમ સોસાયટી કે જ્યાં ખુદ વડોદરા મહાનગરપાલિકાના વર્તમાન મ્યુનિ. કાઉન્સિલર અને પૂર્વ સ્થાઇ સમિતિના ચેરમેન ડો.હિતેન્દ્ર પટેલનું નિવાસ્થાન છે તે વિસ્તારની સોસાયટીમાં તથા વંદના સ્કુલમાં પ્રવેશવાના માર્ગે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. પાણી ભરાતા અહીં આવેલી બાપોદ પ્રાથમિક શાળા તથા ખાનગી શાળાના બાળકોને છોડી મૂકાયા હતાં. રંગવાટિકા સહિત આસપાસના સોસાયટીઓમાં પ્રવેશ માર્ગો પર ઘૂંટણ સમા પાણી ભરાઇ ગયા હતા. અહીં જો કોઇને આકસ્મિક સારવારની જરૂર પડી જાય તો એમ્બયુલન્સ પણ સોસાયટીમાં પ્રવેશી ન શકે તેવી પરિસ્થિતિ જોવા મળી હતી. રોડપર પણ પાણી જ પાણી જોવા મળ્યાં હતાં.
શહેરમાં દસેક દિવસના વિરામ બાદ ઉકળાભર્યા વાતાવરણ વચ્ચે વરસાદ પડતાં ઘણાં લોકો વરસાદમાં ન્હાવાનો આનંદ માણ્યો હતો તો શહેરમાં આજે ઠેરઠેર ચ્હાની કીટલીઓ, સ્ટોલ પર લોકો ચ્હાની ચૂસકી લેતાં નજરે પડ્યા હતા તો કેટલાક શહેરીજનો ગરમાગરમ નાસતાની લહેજત માણી હતા.
શહેરમાં પડેલા વરસાદમાં કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. ખાસ કરીને કાલાઘોડા, એલ.એન.ટી સર્કલ, ચકલી સર્કલ તરફના રોડપર ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. જો કે ,વરસાદમાં પણ શહેર ટ્રાફિક પોલીસે ખડેપગે ટ્રાફિક સંચાલન સુચારૂ બને તે માટેની કવાયત હાથ ધરી હતી.