માથાભારે તત્વો સામેની લડતમાં જીત મળે તે માટે પ્રાર્થના: શહેરમાં શાંતિ જાળવવા પોલીસ સુસજ્જ હોવાનો પોલીસ કમિશ્નરનો દ્રઢ સંકલ્પ

સમગ્ર દેશમાં દશેરાના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે અનિષ્ટ પર સદાચારના વિજયના પ્રતીક સમા આ દિવસે શસ્ત્ર પૂજનનું અનેરું માહાત્મ્ય હોય છે. આ પરંપરાને જાળવતા, વડોદરા શહેર પોલીસ દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું.
શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમરના હસ્તે આ પૂજન વિધિ સંપન્ન કરવામાં આવી હતી, જેમાં શહેરના અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ખાસ હાજર રહ્યા હતા. દશેરાના શુભ અવસરે પોલીસ કમિશનરે માત્ર શસ્ત્રોનું જ નહીં, પરંતુ પોલીસના વાહન અને અશ્વની પણ પૂજા કરી હતી.
પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે જણાવ્યું હતું કે, પોલીસ એક એન્ફોર્સમેન્ટ એજન્સી તરીકે, અસામાજિક તત્વો, ગુનેગારો, ટેરરિસ્ટ સહિતના માથાભારે તત્વો વિરૂદ્ધ લડત આપે છે. આ લડત માટે પોલીસ હથિયારો અને સ્પેશિયલાઇઝ્ટ ટુલ કીટ સાથે સુસજ્જ થઈને લોકોની સુરક્ષા અને સલામતી માટે અવિરત મહેનત કરી રહી છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આજે મા શક્તિની આરાધના કરીને એવી પ્રાર્થના કરવામાં આવી છે કે, શહેરમાં સુખ-શાંતિ બની રહે. જો કોઈ પણ પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો તેને પહોંચી વળવા માટે પોલીસને શક્તિ મળે. ગુનેગારો વિરૂદ્ધની લડતમાં આપણને જીત મળે, તેવી માંગણી સાથે પૂજન કરવામાં આવ્યું હતું.