વિસર્જન સમયે 105 બોયા, 70 તરવૈયા અને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરાઈ
ડૉ. શીતલ મિસ્ત્રીની અપીલ; માત્ર નિર્ધારિત તળાવમાં જ વિસર્જન કરો
વડોદરા શહેરમાં દશામા વિસર્જન માટે કુલ 7 તળાવો તૈયાર કરવામાં આવ્યા છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ તળાવો પૈકી 5 તળાવો કૃત્રિમ બનાવવામાં આવ્યા છે જ્યારે 2 તળાવો કુદરતી છે. તળાવો સાથે સંબંધિત તમામ વ્યવસ્થાઓ મહાનગરપાલિકા દ્વારા પૂરતી કરવામાં આવી છે. સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું કે, દશામા વિસર્જન માટે શહેરમાં કુલ 4.25 કરોડ લીટર પાણી સંગ્રહ ક્ષમતા ધરાવતા તળાવોનું આયોજન કરાયું છે. તમામ તળાવો ખાતે 105 બોયા, 29 તરાપા, 70 તરવૈયા, 21 સિક્યુરિટી ગાર્ડ, ફાયર વિભાગના જવાનો, સફાઇ કામદારો, પીવાનું પાણી, લાઈટિંગ, ફેંસિંગ, આરતી માટે ટેબલ અને નિર્માલ્ય કળશ જેવી વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. અંતે ડૉ. શીતલ મિસ્ત્રીએ નાગરિકોને વિનંતી કરી છે કે વિસર્જન માટે માત્ર મહાનગરપાલિકા દ્વારા નિર્ધારિત તળાવોમાં જ મૂર્તિ વિસર્જન કરવામાં આવે જેથી નદી કે ખાલી જગ્યા પ્રદૂષિત ન થાય.
કૃત્રિમ તળાવોનો વિગતો પ્રમાણે વ્યવસ્થા નીચે મુજબ છે:
- તરસાલી શાકમાર્કેટ સામે – માપ 25x15x3 મીટર, ક્ષમતા 6,75,000 લીટર
- મકરપુરા ગામ પાસે – માપ 25x15x3 મીટર, ક્ષમતા 6,75,000 લીટર
- ભાયલી પ્રિયા સિનેમા પાસે – માપ 35x30x4 મીટર, ક્ષમતા 38,85,000 લીટર
- બિલ મઢી સ્મશાન સામે – માપ 40x35x4 મીટર, ક્ષમતા 51,80,000 લીટર
- કિશનવાડી દાવડાનગર રોડ પર – માપ 30x30x4 મીટર, ક્ષમતા 9,00,000 લીટર
કુદરતી તળાવો:
હરણી તળાવ – માપ 25x25x2 મીટર, ક્ષમતા 6,25,000 લીટર
ગોરવા દશામા તળાવ – માપ 110x70x8 મીટર, ક્ષમતા 77,00,000 લીટર