Vadodara

દશામાની આ તે કેવી દશા!

દશામાંની મૂર્તિઓના વિસર્જનની કામગીરીમાં તંત્ર નિષ્ફળ : અસંખ્ય મૂર્તિઓનું સંપૂર્ણ વિસર્જન ન થયું

પહેલાથી જ ઉપલા લેવલના અધિકારીઓએ ધ્યાન રાખવું જોઇએ કે તળાવની ઉંડાઇ અને પહોળાઇ કેટલી છે – માંઇ ભક્તનો આક્રોશ

વડોદરા:
ગઈ મધરાતથી જ દશામાંની મૂર્તિઓનું વિસર્જન અઘરું બની ગયું હતું. ભક્તોના ઘરે 10 દિવસનું આતિથ્ય માણીને દશામાં વિદાય લઇ રહ્યા છે. ત્યારે મૂર્તિ વિસર્જનની તૈયારીઓમાં તંત્ર કાચુ પડ્યું હોવાની વાત સામે આવી છે. શહેરના માંજલપુર વિસ્તારમાં દશામાંના વિસર્જન માટે તૈયાર કરવામાં આવેલું કૃત્રિમ તળાવ પરોઢીયા સુધીમાં તો છલોછલ થઇ ગયું હોવાનું જોવા મળી રહ્યું છે. જેના કારણે કેટલાક માંઇ ભક્તોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે. તો કેટલાક માંઇ ભક્તો અન્યત્રે વિસર્જન કરવાનું તરફ વળી ગયા હતા.
તાજેતરમાં દશામાંના વ્રતની શહેરમાં રંગેચંગે ઉજવણી શરૂ થઇ હતી. વડોદરામાં મોટી સંખ્યામાં જાહેરમાં અને પોતપોતાના ઘરમાં દશામાંની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. ભક્તોને ત્યાં 10 દિવસનું આતિથ્ય માણીને ગઈ મધરાતથી દશામાંની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ત્યારે દશામાંની મૂર્તિઓના વિસર્જનને લઇને તંત્ર તૈયારીઓમાં કાચુ પડ્યું હોવાની વાત સપાટી પર આવી છે.
વડોદરાના માંજલપુર વિસ્તારમાં પાલિકા દ્વારા દશામાંની મૂર્તિઓના વિસર્જન માટે કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યું હતું. તળાવમાં મધરાતથી શરૂ થયેલા વિસર્જન બાદ ગણતરીના કલાકોમાં જ છલોછલ થઇ ગયું હતું. જેના કારણે વધુ મૂર્તિઓનું સન્માનપૂર્વક વિસર્જન કરવું મુશ્કેલ બન્યું હતું. છલોછલ ભરાઇ ગયેલા કૃત્રિમ તળાવમાં માતાજીનું વિસર્જન કરવું યોગ્ય ન જણાતા કેટલાક ભક્તો દ્વારા ત્યાંથી મૂર્તિ લઇને અન્યત્રે વિસર્જન કરવા નિકળી ગયા હતા. જે સ્પષ્ટ બતાવે છે કે, તંત્ર તૈયારીઓમાં કાચું પડ્યું છે.
માંઇ ભક્તે મીડિયા સાથે વાતમાં જણાવ્યું કે, જ્યારે સુરસાગરની સ્થિતી હતી ત્યારે ખુબ સારી રીતે વિસર્જન થતું હતું. તેને બંધ કરીને કૃત્રિમ તળાવો કરવામાં આવ્યા છે. માણસ પણ કૃત્રિમ થવા લાગ્યા છે તેવું મને લાગી રહ્યું છે. કૃત્રિમ તળાવ કર્યા છે, તો તમારે પહેલાથી જ તકેદારી, સાજેદારી ઉપલા લેવલના અધિકારીઓએ ધ્યાન રાખવું જોઇએ, કે તળાવની ઉંડાઇ અને પહોળાઇ કેટલી છે. આપણી પ્રજાએ સફાળા જાગવાની જરૂર છે. તમને ખુરશી માત્ર સાચવી રાખવા નથી આપી. આવનાર સમયમાં ગણેશજીનું વિસર્જન પણ આવશે. અત્યારે માતાજીનું પાણીમાં વિસર્જન થઇ શક્યું નથી.

Most Popular

To Top