વિશ્વામિત્રી નદીના શુદ્ધિકરણ પ્રોજેક્ટ પાછળ કરોડોનો ધુમાડો :
પાલિકાની લાપરવાહીને કારણે નદીના પર્યાવરણ અને નદીમાં રહેલી જીવ સૃષ્ટિ પર મોટું જોખમ ઊભું થયું :
( પ્રતિનિધિ )વડોદરા,તા.27
વડોદરા મહાનગરપાલિકાની બેદરકારીને કારણે વિશ્વામિત્રી નદી દૂષિત થઈ છે. પૂર બાદ પાલિકા દ્વારા મહત્વપૂર્ણ વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી વચ્ચે રહેણાંક વિસ્તારમાંથી ગટરનું પાણી સીધું નદીમાં છોડવામાં આવી રહ્યું છે ત્યારે પાલિકા દ્વારા આ બાબતે નક્કર કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તેવા સવાલ ઊભા થયા છે.

એક તરફ વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈ તંત્રની અવારનવાર બેઠકો કરવામાં આવતી હોવા છતા પણ ગંદકીનો ઉકેલ આવતો નથી. ત્યારે પરશુરામ ભઠ્ઠા પાસે દર્શનમ્ સેન્ટ્રલ પાર્કના રહેણાંક વિસ્તારના ડ્રેનેજના પાણી નદીમાં ઠલવાતા હોવાના ચોંકાવનારા દૃશ્યો સામે આવ્યા છે.

મહાનગરપાલિકા વિશ્વામિત્રી નદીના શુદ્ધિકરણ પ્રોજેક્ટ પાછળ કરોડો રૂપિયાના ખર્ચ કરી રહી છે તો બીજી તરફ આ પ્રકારે ગેરકાયદે રીતે ગટરના દૂષિત પાણી વિશ્વામિત્રીમાં છોડીને નદીને વધુ દૂષિત કરતાં તત્વો સામે આંખ આડા કાન કરીને કામગીરી નથી કરતી.ત્યારે પાલિકાની આ બેવડી નીતિ સામે પ્રશ્નો ઉભા થવા સહજ છે.

રહેણાંક વિસ્તારમાંથી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ટ્રીટ કર્યા વિના ગંદું પાણી સીધું નદીમાં છોડાતું હોવાના દૃશ્યો સામે આવ્યા બાદ પાલિકા જવાબદાર સામે કાર્યવાહી કરશે કે કેમ ? આ પ્રકારની લાપરવાહીને કારણે નદીના પર્યાવરણ અને નદીમાં રહેલી જીવ સૃષ્ટિ પર મોટું જોખમ ઊભું થયું છે. દૂષિત પાણી છોડવાના મામલે પાલિકા ગંભીર પગલા લે એ આવશ્યક બન્યું છે.

આવા લોકો સામે આંખ મીંચામણાં કરીને પાલિકાના સત્તાધીશો વિશ્વામિત્રી પ્રોજેક્ટ પાછળ રાજ્ય સરકાર અને વડોદરાની પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા વ્યર્થ વેડફી રહ્યા હોવાનું સ્પષ્ટ દેખાય છે. ઉલ્લેખનીય છે કે વિશ્વામિત્રી નદી વડોદરાની જીવાદોરી સમાન છે. તેમાં મગર સહિત અનેક જળચર જીવો વસે છે. કેમિકલયુક્ત અને ટ્રીટ ન કરાયેલું પાણી નદીમાં ભળતાં પાણી ઝેરી બનતું જાય છે, જે જળચર જીવન માટે જીવલેણ સાબિત થઈ શકે છે. વિશ્વામિત્રી બચાવ સમિતિના સભ્ય દ્વારા જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની, તેમજ તાત્કાલિક ધોરણે ટ્રીટ ન કરાયેલું પાણી નદીમાં છોડવાનું બંધ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.