જૂની અને જર્જરીત લાઇનને બદલી ટ્રેન્ચલેશ પદ્ધતિથી નવી લાઇનની કામગીરી કરાશે
નવીન ડ્રેનેજ નાંખ્યા બાદ વિશ્વામિત્રી-સન સિટી વિસ્તારની ડ્રેનેજ સમસ્યાનો ઉકેલ આવશે
વડોદરા મહાનગરપાલિકા દ્વારા દક્ષિણ ઝોનના વોર્ડ નં-18 વિસ્તારમાં દરબાર ચોકડીથી માંજલપુર પંપીંગ સુધી નવી ડ્રેનેજ લાઇન નાખવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. હાલની ડ્રેનેજ લાઇન જૂની અને જર્જરીત બની ગઈ હોવાથી ઘણા સમયથી તેમાં ભંગાણો પડતા રહ્યા છે. જેના કારણે વિશ્વામિત્રી સ્ટેશનથી સન સિટી સર્કલ થઇ દરબાર ચોકડી સુધીના વિસ્તારના નાગરિકોને વારંવાર ડ્રેનેજ ચોકઅપ, પાણી ઉભરાવા અને ગંદકીની સમસ્યા સહન કરવી પડતી હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાલિકા દ્વારા તબક્કાવાર રીતે નવી ડ્રેનેજ લાઇન નાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. પહેલા તબક્કા તરીકે દરબાર ચોકડીથી માંજલપુર પંપીંગ સુધી નવી લાઇન નાખવાનું કામ હાથ ધરાશે. આ કામગીરી માટે રૂ. 4.83 કરોડ (નેટ અંદાજ)નો ખર્ચ થવાનો છે. ખાસ વાત એ છે કે આ કામ ટ્રેન્ચલેશ પદ્ધતિથી કરાશે, જેથી રોડ ખોદકામ ઓછું થશે અને વાહન વ્યવહારમાં અવરજવર પર પણ ઓછી અસર પડશે.
નવી ડ્રેનેજ લાઇન તૈયાર થયા બાદ વિશ્વામિત્રી સ્ટેશન, સન સિટી સર્કલ અને દરબાર ચોકડી વિસ્તારના નાગરિકોને ડ્રેનેજ ચોકઅપ અને ઉભરાવાની જૂની સમસ્યામાંથી કાયમી રાહત મળશે એવો પાલિકા દ્વારા દાવો કરવામાં આવ્યો છે. વધતા શહેરી વિકાસ અને વધતી વસાહતોને ધ્યાનમાં રાખીને આ વિસ્તારનું ડ્રેનેજ નેટવર્ક મજબૂત કરવાનું મહત્વનું માનવામાં આવી રહ્યું છે. આ કામ પૂરુ થવાથી સમગ્ર વિસ્તારનો ડ્રેનેજ પ્રવાહ સુધરશે અને આવનારા વર્ષોમાં વરસાદી સિઝનમાં ડ્રેનેજ ઉભરાવાની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે એવી પણ આશા છે.