Vadodara

દબાણ હટાવાની કાર્યવાહી વચ્ચે કેન્સર પીડિત JCB નીચે સૂઈ ગયો!

આજે વડોદરાના ખંડેરાવ માર્કેટથી બગીખાના સુધીના વિસ્તારમાં પાલિકા દ્વારા દબાણ હટાવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શહેરમાં વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને પાલિકા હંગામી દબાણો દૂર કરતી રહેતી હોય છે. આજની કાર્યવાહી દરમિયાન પણ દબાણ શાખાની ટીમ સ્થાનિક પોલીસની હાજરીમાં લારીઓ હટાવા પહોંચી હતી. જોકે, અહીં કંઈક અલગ જ દૃશ્ય સર્જાયું હતું. જ્યારે લારી હટાવવાની શરૂઆત થઈ, ત્યારે એક કેન્સરથી પીડાતા યુવાને પોતાની લારી જપ્ત થતા ગુસ્સામાં આવી ગયો. તેણે કહ્યું કે તે કેન્સરગ્રસ્ત છે અને તેનો ભાઈ પણ અપંગ છે. બંને ભાઈઓ મળીને લારી ચલાવી જીવન ગુજારી રહ્યાં છે. તેણે પોતાની વ્યથા જણાવીને સીધો જેસીબી ઉપર ચડી ગયો અને પછી તેના પૈડાં નીચે સૂઈ ગયો. તેની આ હરકતથી ત્યાંનો માહોલ એકદમ તંગ બની ગયો. એજ સમયે એક મહિલા લારીધારકે પણ વિરોધનો માર્ગ અપનાવ્યો હતો. પોતાના માથું લારીમાં અથડાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. જેના કારણે પોલીસની સાથે રહેલી મહિલા કોન્સ્ટેબલે તેને શાંત પાડવાનો પ્રયાસ કર્યો. આ ઘટનાને જોઈ ત્યાં ઉભેલા બાળકો પણ ડરી ગયા અને રડવા લાગ્યા. આ સમગ્ર ઘટનાને પગલે દબાણ હટાવવાની કાર્યવાહી ખૂબ ચર્ચાસ્પદ બની હતી. પોલીસે અંતે કડક કામગીરી હાથ ધરી અને લારીઓને જપ્ત કરવામાં આવી. કેટલીક જગ્યાએ બુલડોઝર ફેરવીને દબાણો હટાવવામાં આવ્યા.

Most Popular

To Top