Vadodara

દબાણ હટાવવાની કામગીરીની માહિતી વેપારીઓને કોણ લીક કરે છે?


ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં દબાણો હટાવવા પાલિકાની ટીમ પહોંચી પણ મોટાભાગના દબાણો પહેલેથી જ દૂર થતાં દબાણ શાખાની કામગીરી પર સવાલો



વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી પાછળ ખંડેરાવ માર્કેટના ફ્રૂટના વેપારીઓ દ્વારા દબાણો અવાર નવાર થતાં રહે છે. અને પાલિકાની દબાણ શાખા દબાણો દૂર કરી દબાણકર્તાનો સામાન પણ જપ્ત કરી કાર્યવાહી કરતી હોય છે. ત્યારે થોડા દિવસ અગાઉ પણ દબાણ શાખા દ્વારા ખંડેરાવ માર્કેટ થી ગુરુદ્વારા અને આરવી દેસાઈ થઈ સાયકલ માર્કેટ પરના દબાણો દૂર કરાયા હતા. છતાં પુન: દબાણ થતાં દબાણ શાખાની કામગીરી સામે સવાલ ઊભા થયા હતા. શનિવારે પાલિકાની દબાણ શાખા સ્થાનિક પોલીસ ને સાથે રાખી દબાણ દૂર કરવા પહોંચી હતી ત્યારે દબાણ શાખાની કામગીરીની જાણ વેપારીઓને થઈ જતા વેપારીઓએ દબાણ દૂર કરી દીધું હતું. જેને લઈને દબાણ શાખાની ટીમને ફ્રૂટ બજારમાંથી કાઈ હાથ લાગ્યું નાં હતું.



વડોદરાના મદનઝાંપા રોડ અને ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં ગેરકાયદે દબાણોના કારણે લાંબા સમયથી ટ્રાફિક સમસ્યા છે.સાયકલ બજાર અને ફ્રુટ બજારમાં પથારાવાળા અને દુકાનદારો દ્વારા ફૂટપાથ અને રસ્તાઓ પર ગેરકાયદે દબાણો કરવામાં આવતા વાહનવ્યવહાર માટે મુશ્કેલી ઊભી થતી રહે છે. ત્યારે શનિવારે પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા વિસ્તારમાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

મદનઝાંપા રોડ અને ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં ગેરકાયદે દબાણોને દૂર કરવા માટે પાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પરંતુ, દબાણ હટાવવાની જાણકારી વેપારીઓને અગાઉથી થઈ જતી હોય છે, જેના કારણે તેઓ પોતાનો માલ દુકાનમાં રાખી લે છે. આ વખતે પણ એવું જ થયું, જેનાથી પાલિકા તંત્રને મોટાભાગે ખાલી હાથ પરત ફરવું પડ્યું. મદનઝાંપા રોડ પર સાઇકલના વેપારીઓ ફૂટપાથ પર તેમનો સામાન ગોઠવી દેતા હોય છે, જેના કારણે ચાલકો અને રાહદારીઓ માટે મુશ્કેલી ઊભી થાય છે. ઉલ્લેખનીય છે કે, દબાણ હટાવવાની કાર્યવાહી પછી થોડા દિવસ માટે સ્થિતિ સુધરે છે, પણ થોડી જ વારમાં દબાણો ફરી ઉભા થઈ જાય છે.

Most Popular

To Top