Vadodara

થાર ચાલક યુવતીએ ઝોમાટો બોયને ઉડાવ્યો, નોકરીના પહેલા જ દિવસે મોત

સન ફાર્મા રોડ પર થારની જોરદાર ટકકરે એક્ટિવા ચાલકનું મોત,ગાડીમાં સવાર યુવતીઓની અટકાયત

( પ્રતિનિધિ )વડોદરા,તા.14

વડોદરાના સન ફાર્મા રોડ પર હીટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં થાર ગાડીએ એક્ટિવા ચાલકને અડફેટે લેતા એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. ભીમ તળાવ ટર્નિંગ અને નાયરા પેટ્રોલ પંપ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી એક સફેદ રંગની થાર કારે એક્ટિવા સવારને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં થાર ગાડીમાં સવાર યુવતીઓની પોલીસે અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.

વડોદરા શહેરમાં અકસ્માતોના બનાવવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો તેવામાં મોડીરાત્રીએ વધુ એક અકસ્માતની ઘટના બની હતી આ અકસ્માતની ઘટના સન ફાર્મા રોડ ઉપર બની હતી .આ અકસ્માત એટલો ભયાનક હતો કે એક્ટિવા ચાલકનું ગંભીર ઈજાઓને કારણે સ્થળ પર જ મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતા જ અટલાદરા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ટર્નિંગ પોઈન્ટ પર કારની ગતિ કેટલી હતી અને અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તે જાણવા માટે પોલીસે સીસીટીવી ફૂટેજની પણ મદદ લઈ આગળની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર 28 વર્ષના યુવાન અભિષેક મોરેનું મોત થયું હતું. આવક વધારવા માટે ઝોમાટો સાથે યુવક જોડાયો હતો, કાળ ભરખી જતા યુવકનો પહેલો દિવસ અંતિમ દિવસ રહ્યો હતો. થાર ગાડી યુવતીઓ ચલાવી રહી હતી. પોલીસે આ યુવતીઓની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top