Vadodara

ત્રણ નાયબ મામલતદારના સસ્પેન્શન પછી કલેક્ટર કચેરીમાં સન્નાટો

ત્રણ નાયબ મામલતદારને સાગમટે સસ્પેન્ડ કરવાની કલેકટરને ફરજ પડી
કલેકટર કચેરી ભ્રષ્ટાચારનો અખાડો બની ગઈ છે, તળિયાઝાટક સાફસૂફી કરવી પડશે
વડોદરા: જિલ્લા ક્લેક્ટરે જમીન સુધારણા કચેરીના નાયબ મામલતદાર મહાવીરસિંહ સીનોલ,હર્ષિલ પટેલ,અને આરટીએસ વિભાગના નાયબ મામલતદાર મહાવીરસિંહ ગોહિલને
તાત્કાલિક સસ્પેન્ડ કરવાની ફરજ પડી તે ઉપરથી નાગરિકો વિચારી રહ્યા છે કે જમીન સુધારણાના બીજા કેટલા અધિકારી કર્મચારીની સંડોવણી નહીં હોય. કચેરીમાં જ એવી ચર્ચા સાંભળવા મળી હતી કે આ તો કરોડોની લેવડ દેવડનો ભાંડો ફૂટ્યો એટલે કલેકટરે પગલા ભરવા પડ્યા. જમીન સુધારણા કચેરીના અધિકારીઓ અગાઉ કેટલા બિલ્ડરો પાસેથી કેટલા રૂપિયાની ખાયકી કરીને ખિસ્સા ભર્યા હશે . કેટલા સમયથી આવા ગોરખધંધા ચાલે છે તે બાબતે કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ સદંતર અજાણ હોય તે માની શકાતું નથી તેવી ચર્ચા બિલ્ડરોમાં ચાલી હતી.

ભાગ્યે જ કોઇ ટેબલ એવું હશે કે રૂપિયા વગર અરજદારનું કામ સમયસર થતું હશે. માત્ર ત્રણ નાયબ મામલતદારને સસ્પેન્ડ કરવાને બદલે ખરેખર લોકોને વિશ્વાસ બેસે તેવા પગલાં ભરવા પડશે.
કલેકટરે જે ખાતાકીય તપાસ કરી ને પગલા ભરવા પડ્યા તેના કારણે આજે કચેરીમાં સોંપો પડી ગયો હતો. અરજદારો સાથે અધિકારીઓ કર્મચારીઓ કામ સિવાયનો એક હરફ સુદ્ધા ઉચ્ચારતા ન હતા. જમીન સુધારણા શાખાનો સ્ટાફ ખુદ સુધરી ગયો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યુ હતું. જોકે, આવો માહોલ કેટલા દિવસ ટકે છે તે જોવું રસપ્રદ થઈ પડશે.

Most Popular

To Top