પંથકમાં ચકચાર: જેતપુર પાવી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો
જેતપુરપાવી: છોટાઉદેપુર જિલ્લાના જેતપુરપાવી તાલુકાના મોટી અમરોલ ગામે ત્રણ દિવસથી ગુમ થયેલા એક આધેડની લાશ કૂવામાંથી મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી મુજબ મોટી અમરોલ ગામના નાયકા પ્રવીણભાઈ બચુભાઈ (ઉંમર 51 વર્ષ) છેલ્લા ત્રણ દિવસથી ઘરેથી ગુમ હતા. પરિવારજનો દ્વારા તેમની અનેક જગ્યાએ શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ તેમનો કોઈ પત્તો મળ્યો ન હતો, જેના કારણે પરિવારજનો ચિંતામાં મુકાયા હતા.

આ દરમ્યાન ગામના એક કૂવામાં તેમની લાશ જોવા મળતા ગામમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ જેતપુર પાવી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ દ્વારા મૃતદેહને જેતપુર પાવી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. હાલ જેતપુર પાવી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર: આરીફ ખત્રી