ડેન્ગ્યુના 55 અને મેલેરિયાના 770 શંકાસ્પદ કેસ નોંધાયા :
શહેરીજનોને સાવચેતી રાખવા અને તંદુરસ્ત આહાર લેવા માટે તબીબ દ્વારા અપીલ :
( પ્રતિનિધી )વડોદરા,તા.4
વડોદરા શહેરમાં એક જ દિવસમાં ડેન્ગ્યુના 55 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જે પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે. સવાર-સાંજ ઠંડક અને બપોરે ગરમીના કારણે વાતાવરણમાં થઈ રહેલા સતત બદલાવને લીધે શહેરભરમાં રોગચાળો વકર્યો છે. મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગોના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે. ત્યારે, સરકારી હોસ્પિટલોમાં ઓપીડી અને ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓનો ધસારો વધવા માંડ્યો છે.

શહેર હાલમાં બેવડી ઋતુના સંક્રમણ કાળમાંથી પસાર થઈ રહ્યું છે. સવાર-સાંજ ઠંડક અને બપોરે ગરમીના કારણે વાતાવરણમાં થઈ રહેલા સતત બદલાવને લીધે શહેરભરમાં રોગચાળો વકર્યો છે. આ ઋતુ પરિવર્તન મચ્છરોના ઉપદ્રવ અને વાયરલ ઇન્ફેક્શન માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે, જેના પરિણામે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગોના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે.

આરોગ્ય વિભાગના આંકડા મુજબ રોગચાળાની સ્થિતિ ગંભીર બનતી જાય છે અને જો આના પર તાત્કાલિક નિયંત્રણ ન મૂકાય તો આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ વણસી શકે છે. શહેરીજનોને સાવચેતી રાખવા અને તંદુરસ્ત આહાર લેવા માટે તબીબ દ્વારા અપીલ કરવામાં આવી છે. શહેરમાં ડેન્ગ્યુના 55 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જે પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે. આ ઉપરાંત, મચ્છરજન્ય રોગોમાં મેલેરિયાના 770 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે, જોકે આમાંથી મોટા ભાગના કેસો રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. ચિકનગુનિયાના 14 શંકાસ્પદ કેસ પણ સામેલ છે.

પાણીજન્ય રોગોની વાત કરીએ તો, ટાઇફોઇડના 32 શંકાસ્પદ કેસ નોંધાયા હતા જે પૈકી એક કેસ પોઝિટિવ આવ્યો છે. બીજી તરફ, વાયરલ ઇન્ફેક્શનના 45 કેસો સામે આવતા દવાખાનાઓમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે, મચ્છર નિયંત્રણ અને સ્વચ્છતાની કામગીરી વધુ સઘન કરવાની તાતી જરૂર ઉભી થઈ છે. જ્યારે રોગચાળાને કાબૂમાં લેવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફોગિંગ અને દવા છંટકાવની કામગીરી સઘન બનાવવામાં આવી છે. જોકે, માત્ર સરકારી પ્રયાસો પૂરતા નથી. લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે, તેઓ તેમના રહેણાંક વિસ્તારમાં ક્યાંય પણ પાણીનો ભરાવો ન થવા દે, કારણ કે મચ્છરોનો ઉપદ્રવ ત્યાંથી જ ફેલાય છે. ફુલદાની, ટાયર કે કૂલરના પાણીને નિયમિતપણે બદલવું જરૂરી છે. મચ્છરદાનીનો ઉપયોગ કરવો અને આખા શરીરને ઢાંકે કેતા કપડાં પહેરવા એ પણ મહત્ત્વનું છે. જો તાવ, સાંધાનો કે શરીરે લાલ ચાંઠા જેવા કોઈ પણ લક્ષણો દેખાય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જોઈએ.