પતિ પત્ની વચ્ચે ઝઘડામાં સમાધાન કરાવવાના બહાને ઘરે બોલાવી યુવકને માર માર્યો
યુવકને દાદરના પગથિયા પર માથું અથાડી ઇજા પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી
(પ્રતિનિધિ) વડોદરા તા. 15
શહેરના આજવારોડ ખાતે રહેતા યુવકને કાકાના દીકરાએ પતિ પત્ની વચ્ચે ઝઘડાની બાબતમાં સમાધાન કરવાના બહાને ઘરે બોલાવી “તું મારી પત્ની સાથે કેમ વાતો કરે છે” તેમ કહી ગડદાપાટુનો માર માર્યો હતો મારથી બચવા માટે યુવક દાદરા પાસે પહોંચ્યો ત્યાં કાકાના દીકરાએ યુવકનું માથું દાદરા સાથે ભટકાતા યુવકને માથામાં ચાર ટાંકા આવ્યા હતા સાથે જ અહીં કાકાના દીકરા દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના આજવારોડ વિસ્તારમાં આવેલા કમલાનગર પાસેના ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં મકાન નંબર સી -88મા રહેતા તેજશભાઇ પ્રવિણભાઇ પટેલ પોતાના પરિવાર સાથે રહે છે અને શ્રી સત્ય વચન ન્યૂઝ માં ફરજ બજાવે છે.ગત તા. 11 ફેબ્રુઆરીના રોજ બપોરે આશરે પોણા એક વાગ્યાની આસપાસ તે માંજલપુર વિસ્તારમાં હતા તે દરમિયાન તેમના કાકાના દીકરા વિજય મકવાણા જેઓ તરસાલી વિસ્તારમાં આવેલા નોવીનો ની નજીકના ગીતાંજલી ફ્લેટના સી ટાવરના મકાન નંબર 102મા રહે છે તેમણે તેજશભાઇને ફોન કરીને જણાવ્યું હતું કે તેમના પત્ની સાથે તેઓને ઝઘડો થયો હોય સમાધાન માટે ઘરે આવવા જણાવતા તેજશભાઇ પોતાના કાકાના દીકરાના ઘરે ગયો હતો જ્યાં વિજય મકવાણાએ “તું મારી પત્ની સાથે કેમ વાતો કરે છે” તેમ જણાવી તેજશભાઇને અપશબ્દો બોલી ગડદાપાટુનો માર માર્યો હતો જેથી તેજશભાઇ મારથી બચવા ઘરમાંથી બહાર નિકળતા હતા તે દરમિયાન વિજય મકવાણાએ તેજશભાઇનુ માથું દાદર સાથે ભટકાવતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેજશને બચાવ્યો હતો તે દરમિયાન વિજય મકવાણાએ “આજે તો તું બચી ગયો બીજી વાર તને જીવતો નહીં થોડું”તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ દરમિયાન કોઇએ ટોળામાંથી 108 એમ્બ્યુલન્સ ને બોલાવી ઇજાગ્રસ્ત તેજશ પટેલને એસ.એસ.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો જ્યાં તેજશને માથાની ડાબી બાજુએ ચાર ટાંકા લીધા હતા આ સારવાર ચાલતી હોવાથી તેજશભાઇ પટેલે ગત તા.14 ફેબ્રુઆરીના રોજ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.