Vadodara

તા.07 સપ્ટેમ્બરને રવિવારે કુંભ રાશિમાં ચંદ્રગ્રહણ થશે જે ભારતમાં દેખાવાનું હોય શાસ્ત્રોક્ત રીતે પાળવાનું રહેશે

તા.07 સપ્ટેમ્બરને ભાદરવી પૂનમના દિવસે સવારે 11:19 ક. થી ગ્રહણ વેધ પ્રારંભ થશે,ગ્રહણનો સ્પર્શ રાત્રે 8:10 કલાકે થશે,ગ્રહણનો મધ્ય ભાગ રાત્રે 11:21 કલાકે છે તથા ગ્રહણ મોક્ષ રાત્રે 2:25 ક.થશે

ચંદ્ર ગ્રહણના દિવસે જ પિતૃપક્ષનો પ્રારંભ થતો હોય સવારે 11:19 ક. પહેલાં જ શ્રાદ્ધની વિધિ તથા બ્રાહ્મણ ભોજન કરી દેવું જો એ શક્ય ન હોય તો પૂનમનો શ્રાધ્ધ અમાસના દિવસે કરવો

(પ્રતિનિધિ) વડોદરા તા. 05

આગામી તા.07 સપ્ટેમ્બર ને ભાદરવા મહિનાની પૂનમ ને રવિવારે ખગ્રાસ ચંદ્રગ્રહણ થનાર છે જે સમગ્ર ભારતમાં દેખાવાનું હોય શાસ્ત્રોક્ત રીતે પાળવાનું રહેશે. આ દિવસે લાલ ચંદ્ર (બ્લડ મૂન) સાથે ચંદ્ર ગ્રહણ થશે સાથે જ આ જ દિવસથી પિતૃપક્ષની શરુઆત પણ થશે. ચંદ્ર એ જળનો કારક ગ્રહ હોવાથી આ ચંદ્રગ્રહણ ની અસર ગ્રહણ અગાઉથી જ જોવા મળી રહી છે જ્યાં જૂઓ ત્યાં જળપ્રલય જોવા મળી રહ્યો છે. ચંદ્ર ગ્રહણના દિવસે સવારે 11:19 ક. પહેલાં સ્નાન,ભોજન ઇત્યાદી કરી લેવું ત્યારબાદ સૂતક પાળવાનું રહેશે.

આગામી તા.07સપ્ટેમ્બર,2025 ને ભાદરવી પૂનમ , રવિવારે કુંભ રાશિમાં ખગ્રાસ ચંદ્રગ્રહણ થનાર છે જે ભારતમાં દેખાવાનું હોવાથી શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર પાળવાનું રહેશે. જ્યોતિષાચાર્ય વિજય શાસ્ત્રીજીના જણાવ્યા અનુસાર,રવિવારે ભાદરવા સુદ પૂનમના દિવસે કુંભ રાશિમાં ખગ્રાસ ચંદ્રગ્રહણ નો વેધ સવારે 11:19 કલાથી પ્રારંભ થશે, ચંદ્ર ગ્રહણનો સ્પર્શ રાત્રે 8:10 કલાકે થશે જ્યારે મધ્યભાગ રાત્રે 11:21 કલાકે રહેશે. ચંદ્ર ગ્રહણનો મોક્ષ રાત્રે 2:25 કલાકે થશે માટે ભારતમાં સવારે 11:19 પહેલા સ્નાનાદિ કાર્યથી નિવૃત્ત થયા બાદ ભોજન કરી લેવું ત્યારબાદ સૂતક દરમિયાન ભોજન ઇત્યાદી લઇ શકાય નહીં.ઘરમા મંદિર, પણિયારું,અનાજ રાખવાના કોઠાર વિગેરે જગ્યાએ દર્ભ એટલે કે ડાભ મૂકી દેવાં.આ સમય દરમિયાન જપ, પૂજાપાઠ કરવી,નદી કિનારે શિવાલયો અથવા તો બિલીના વૃક્ષ નીચે અનુષ્ઠાન કરવું જોઈએ. ચંદ્ર એ જળનો કારક ગ્રહ છે માટે ચંદ્રગ્રહણ પહેલાં જ તેની અસરો જોવા મળી રહી છે જળપ્રલય જોવા મળી રહ્યું છે. જેનો ચંદ્ર નબળો હોય, મનની શક્તિ નબળી હોય તેઓએ ખાસ કરીને પૂજાપાઠ, અનુષ્ઠાન કરવા. ગર્ભવતી મહિલાઓએ ચંદ્રગ્રહણ દરમિયાન બહાર નિકળવું જોઇએ નહીં અને ચંદ્ર પણ ન જોવો જોઈએ. ચંદ્રગ્રહણ ની અસર કંઇક ને કંઇક અનહોની દેશ દુનિયામાં કરાવે છે હાલમાં યમુના નદી સહિત નર્મદા મહિસાગર વિગેરે નદીઓમાં ઘોડાપૂર જોવા મળી જ રહ્યું છે આગળ પણ એટલે કે ચંદ્ર ગ્રહણ બાદ પણ સાવધાની રાખવી પડશે. ચંદ્ર ગ્રહણના દિવસે નદી, તળાવ, દરિયા કિનારાના લોકોએ ખાસ સાવચેતી રાખવી પડશે.ચંદ્રગ્રહણની અસર જળ અને જમીન પર વિશેષ થતી હોય જળપ્રલય,જમીન એટલે ભૂકંપ ની ઘટનાઓ થઈ શકે છે તદ્પરાંત રાજકીય ઊથલપાથલની ઘટનાઓ બને પક્ષપલટા,સતા પરિવર્તન થાય ખાસ કરીને નબળા મનની વ્યક્તિ પર વિશેષ અસર થાય. ખગ્રાસ ચંદ્રગ્રહણ ના દિવસે જ પિતૃપક્ષ શરુ થતો હોય આ દિવસે સવારે 11:19 ક. પહેલાં શ્રાદ્ધ વિધિ, બ્રાહ્મણ ભોજન વિષ્ણુ પૂજા કરી લેવી અને જો આ શક્ય ન હોય તો પૂનમનો શ્રાધ્ધ અમાસના દિવસે કરવો.

જ્યોતિષાચાર્ય નયનભાઇ શાસ્ત્રીના જણાવ્યા અનુસાર, ભાદરવા સુદ પૂનમના દિવસે ચંદ્ર ગ્રહણ ભારતમાં દેખાશે જેથી ધાર્મિક દ્રષ્ટિએ પાળવાનું રહેશે.ચંદ્ર ગ્રહણના વેધ દરમિયાન તથા ચંદ્ર ગ્રહણ દરમ્યાન ભોજન, પાણી લઈ ન શકાય,શૌચ આદી ક્રિયા કરવી જોઈએ નહીં.આ ગ્રહણ દરમ્યાન કરવામાં આવેલ જપ સારું ફળ આપે. ચંદ્ર ગ્રહણ કુંભ રાશિમાં થનાર હોય રાશિ મુજબ મેષ, વૃષભ, કન્યા અને ધન રાશિના જાતકો માટે શુભફળ આપશે જ્યારે મિથુન, સિંહ,તુલા અને મકર રાશિના જાતકોને મિશ્રિત ફળ આપશે.કર્ક, વૃશ્ચિક, કુંભ અને મીન રાશિના જાતકો માટે ચંદ્ર ગ્રહણ અશુભ ફળ આપશે.ચંદ્રગ્રહણનુ શુભ અશુભ ફળ સામાન્ય રીતે ત્રણ મહિના સુધી મળે છે. ચંદ્ર ગ્રહણના અશુભ ફળને દૂર કરવા ચંદ્રગ્રહણ ના બીજા દિવસે સોમવારે સ્નાનાદિ પૂજાપાઠ થી પરવારી સફેદ કપડાં, ચોખા, ખાંડ, સફેદ મિઠાઇ વિગેરે સફેદ વસ્તુઓનું દાન આપવાથી સારું ફળ મળે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રવિવારે ભાદરવા સુદ પૂનમના દિવસે કુંભ રાશિમાં શતતારા -પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં ખગ્રાસ ચંદ્રગ્રહણ થનાર છે.

Most Popular

To Top