Vadodara

તા.07મી જુલાઇ, રવિવારે અષાઢી બીજના રોજ શહેરમાં ભગવાન જગન્નાથજીની 43મી રથયાત્રા યોજાશે*

ઇસ્કોન મંદિરના ભક્તો દ્વારા શ્રીલ પ્રભુપાદના દિવ્યગ્રંથોનુ વિતરણ કરવામાં આવશે

રથયાત્રામાં દેશી ઘી માં બનેલ 35ટન શીરાની પ્રસાદી તથા 20હજાર કિલો કેળાં સાથે જાંબુ પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે

શ્રધ્ધાળુઓને ભગવાન જગન્નાથજીના દર્શન થાય તે માટે પ્રથમવાર લાઇવ સ્ટ્રિમીંગ પણ કરાશે.

આગામી તા.07 મી જુલાઇ,2024 ને રવિવારે અષાઢી બીજના રોજ શહેરમાં ભગવાન જગન્નાથજીની 43મી રથયાત્રા યોજાનાર છે જેની તમામ તૈયારીઓ મંદિર તથા સ્થાનિક પ્રશાસન દ્વારા પૂરી કરી લેવામાં આવી છે. આમ તો દર વર્ષે ઇસ્કોન દ્વારા વિશ્વભરમાં એક હજારથી વધુ રથયાત્રાઓનુ આયોજન કરવામાં આવે છે. દેશમાં સૌથી મોટી રથયાત્રા ઓડિસાના પુરી ખાતે યોજવામાં આવે છે જેનું આગવું મહત્વ છે. ગુજરાતમાં અમદાવાદ બાદ બીજા ક્રમાંકે વડોદરામાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજવામાં આવે છે. આ વર્ષે તા.07મી જુલાઇ રવિવારે અષાઢી બીજે 43મી રથયાત્રા યોજાશે. જે અંગે શુક્રવારે ગોત્રી હરિનગર સ્થિત ઇસ્કોન મંદિર ખાતે પત્રકાર પરિષદમાં વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં ઇસ્કોન મંદિરના ઉપપ્રમુખ નિત્યાનંદ સ્વામી, વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગભાઇ બારોટ, પ્રસાદીના આયોજક ગોપાલભાઇ શાહ,મહાપ્રસાદીના આયોજક ધીરુભાઇ પટેલ, કેતનભાઇ ઉપસ્થિત રહ્યાં હતાં જેઓએ રથયાત્રા સંદર્ભે વિગતવાર માહિતી આપી હતી જે મુજબ બપોરે 2:30 કલાકે શહેરના રેલવે સ્ટેશન ખાતેથી 43મી રથયાત્રાને વડોદરાના પ્રથમ નાગરિક એવા મેયર પિન્કીબેન સોની તથા સાંસદ, ધારાસભ્યો, મ્યુનિ. કાઉન્સિલરો સાથે રથયાત્રા સવારીની પરંપરાગત રીતે પાહિંદ વિધિ (સોનાની ઝાડુથી સફાઇ) કરી રથને પ્રસ્થાન કરાવશે. આ રથયાત્રામાં દેશ વિદેશથી ઇસ્કોનના ભક્તો આવશે. ઇસ્કોનના સંન્યાસી ભક્તિ વિકાસ સ્વામી અને વરિષ્ઠ ભક્તો આ રથયાત્રાની શોભાવૃદ્ધિ કરશે. ભક્ત ગોપાલભાઇ શાહ તરફથી 35ટન ચોખ્ખા ઘી થી બનેલ શીરાની પ્રસાદી તેમજ 20 હજાર કિલો કેળાંની અને સાથે જાંબુ પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે. રથયાત્રા રેલવે સ્ટેશનથી નિકળી સયાજીબાગ, કાલાઘોડા થઇ સલાટવાડા નાકા-કોઠી કચેરી-રાવપુરા મુખ્ય માર્ગ-જ્યુબેલીબાગ-પહ્માવતી શોપિંગ સેન્ટર થઇ સુરસાગર-દાંડિયાબજાર-ખંડેરાવ માર્કેટ-લાલકોર્ટ-ન્યાયમંદિર-મદનઝાંપા રોડ-કેવડાબાગ થઇ પોલોગ્રાઉન્ડ બરોડા હાઇસ્કુલ પાસેસાંજે 8 કલાકે પૂર્ણ થશે. રથયાત્રા દરમિયાન વિધ્યાર્થી સંગઠન તથા પાલિકા ના સફાઇસેવકો દ્વારા રથયાત્રા માર્ગની સફાઇ કરવામાં આવશે. રથયાત્રા દરમિયાન છોડના રોપાઓનુ વિતરણ કરવામાં આવશે સાથે જ ઇસ્કોન મંદિરના ભક્તો દ્વારા શ્રીલ પ્રભુપાદના દિવ્યગ્રંથોનુ વિતરણ કરવામાં આવશે. રથયાત્રા દરમિયાન કેસરી ટી શર્ટમાં ,સફેદ ટી શર્ટમાં તેમજ પીળા ટી શર્ટમાં સ્વયંસેવકો ખાસ ઉપસ્થિત રહેશે. સાંજે 5 થી 10 સુધી ઇસ્કોન મંદિરમાં જાહેર મહાપ્રસાદીનુ આયોજન કરવામાં આવ્યું છે. લોકોને સોના ચાંદીના ઘરેણાં, મોબાઇલ ન લાવવા રથયાત્રામાં અપીલ કરાઇ છે.

Most Popular

To Top