Vadodara

“તારે ડરવાની જરૂર નથી” શબ્દોએ બચાવ્યો જીવ, પોલીસની સંવેદનશીલ કામગીરી

છાણી કેનાલમાં આત્મહત્યાનો પ્રયાસ નિષ્ફળ, પોલીસ અને ફાયર વિભાગની ત્વરિત કામગીરીથી દિલધડક રેસ્ક્યુ

વડોદરા, તા. 27
વડોદરા શહેરમાં માનવતા અને બહાદુરીનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે, જ્યાં ફતેગંજ પોલીસ અને ફાયર વિભાગની સંયુક્ત કામગીરીથી એક યુવતીનો જીવ બચાવવામાં સફળતા મળી છે. ગત સાંજે છાણી કેનાલ પાસે એક યુવતીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સમયસર મળેલી જાણકારીના આધારે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, મૂળ આણંદની રહેવાસી અને વડોદરામાં ખાનગી નોકરી કરતી યુવતી પોતાની સગાઈ તૂટી જવાના કારણે માનસિક તણાવમાં હતી. તે કેનાલના કિનારે ઊભી રહી છલાંગ લગાવવાની તૈયારીમાં હતી. આ અંગે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતાં ફતેગંજ પોલીસ મથકના એએસઆઈ નિલેશભાઈ કટારા અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતાબેન તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા.

યુવતી ખૂબ ગભરાયેલી હાલતમાં હતી અને વારંવાર કેનાલમાં કૂદવાનો પ્રયાસ કરી રહી હતી. મહિલા પોલીસ કર્મી નીતાબેનએ સમજદારીપૂર્વક યુવતીને વાતોમાં રાખી તેને શાંત રાખવાનો પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી.

ફાયર ટીમ સ્થળ પર પહોંચે તે પહેલાં જ યુવતીએ કેનાલમાં છલાંગ લગાવી દીધી, પરંતુ ફાયર વિભાગે તરત જ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી યુવતીને ગણતરીની મિનિટોમાં સલામત બહાર કાઢી લીધી હતી.
આ ઘટનામાં મહિલા પોલીસની સંવેદનશીલતા ખાસ નોંધપાત્ર રહી હતી. નીતાબેનએ યુવતીને હિંમત આપતા કહ્યું, “હું આવી ગઈ છું, તારે ડરવાની જરૂર નથી,” જે શબ્દોએ યુવતીને માનસિક રીતે સંભાળવામાં મદદરૂપ બન્યા

બાદમાં યુવતીને પોલીસ મથકે લઈ જઈ તેની કાઉન્સેલિંગ કરવામાં આવી હતી અને તેને તેના માતા-પિતાને સોંપવામાં આવી હતી.

Most Popular

To Top