તારાપુર પોલીસે સોજિત્રા તરફથી આવતી કાર રોકી તલાસી લેતાં ‘ચિલ્ડ્રન બેન્ક ઓફ ઇન્ડીયા’ લખેલી નોટ મળી આવી
આણંદ.
તારાપુર પોલીસે મોટી ચોકડી પર વાહન ચેકીંગ દરમિયાન સોજિત્રા તરફથી આવતી કાર રોકી તલાશી લેતા તેમાંથી રૂ.500ની નકલી નોટનો જથ્થો મળી આવ્યો હતો. જેની પોલીસે ગણતરી કરતાં 3400 નોટ હતી. જેના પર ‘ચિલ્ડ્રન બેન્ક ઓફ ઇન્ડીયા’ લખેલું હતું. આ નોટ ઠગાઇ કરવાના હેતુસર લઇ જતાં હોવાની શંકા આધારે પોલીસે કારમાં સવાર ચાર શખ્સની અટક કરી હતી. જ્યારે પુછપરછમાં વધુ ત્રણના નામ ખુલતા કુલ સાત શખ્સ સામે ગુનો નોંધ્યો હતો.
તારાપુર પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી. બ્રહ્મભટ્ટને બાતમી મળી હતી કે, સોજિત્રા તરફથી જીજે 23 વાય 9660 નંબરની કાર તારાપુર આવી રહી છે. આ કારમાં બનાવટી ચલણી નોટોનો મોટો જથ્થો રહેલો છે. આ બાતમી આધારે પોલીસે 27મી ડિસેમ્બરની રાત્રે મોટી ચોકડી પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન કાર આવતા તેમાં કુલ ચાર શખ્સ સવાર હતાં. જેમની અટક કરી પુછપરછ કરતાં પરમાર સુરેશ ફતેસિંહ (રહે. મોરજ રોડ, તારાપુર), પટાટ રાજા કાના (રહે.તાલાલા, જુનાગઢ), ગોસ્વામી વિજય મોહનપુરી (રહે.તારાપુર) અને વાળા પ્રકાશ વિક્રમ (રહે.તલાલા, જુનાગઢ) હોવાનું જણાવ્યું હતું. આ ચારેય શખ્સને સાથે રાખી ગાડીની ડેકીમાં તપાસ કરતાં ખાખી રંગનું એક બોક્સ મળી આવ્યું હતું. જે ખોલતાં તેમાં 500ના દરની નોટના 34 બંડલ મળી આવ્યાં હતાં. ગણતરી કરતાં કુલ 17 લાખની નોટ હતી. પ્રાથમિક દ્રષ્ટિએ ચલણ નોટ હોય તેવું જ દેખાઇ રહ્યું હતું. પરંતુ ધ્યાનપૂર્વક જોતા ‘ચિલ્ડ્રન બેન્ક ઓફ ઇન્ડિયા’ લખેલું જોવા મળ્યું હતું. આથી,આગવી ઢબે પુછપરછ કરતાં રાજા કાનાએ કબુલ્યું હતું કે, નોટોના બંડલ ગોસ્વામી વિજયના મિત્ર જીગ્નેશ (રહે. વડોદરા) પાસેથી લાવ્યાં છે તથા તે મિત્ર હરેશ રામજી રાખોલીયા (રહે.તલાલા)ને આપવાના છે. જોકે, પોલીસ વધુ તપાસ અર્થે સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ તપાસમાં પટાટ રાજા કાનાના કહેવાથી તેના મિત્ર હરેશ રામજી રાખોલીયાને રૂ.50 લાખ વિજય ગોસ્વામી, જીગ્નેશ (રહે.વડોદરા)ને આપ્યાં હતાં. બદલામાં વિજય ગોસ્વામીએ તેના મિત્ર જીગ્નેશને એક કરોડના દરની બનાવટી નોટો આપવાનો વાયદો કર્યો હતો. આ વાયદાના ભાગરૂપે વિજય ગોસ્વામીએ બનાવટી નોટોના એક કરોડ રૂપિયા લેવા રાજા પટાટને બોલાવ્યો હતો અને રાજા તથા પ્રકાશ સાથે 27મી ડિસેમ્બરના રોજ તારાપુર ખાતે બનાવટી ચલણ નોટ લેવા આવ્યાં હતાં અને તારાપુર આવી વિજયના કહ્યા અનુસાર બાંધણી ચોકડી ખાતે નોટોના બંડલ ભરી બોક્સ લેવા જવા તારાપુર સર્કલ પાસેથી ઇકો ગાડી ભાડે કરી બાંધણીથી નોટના બંડલ ભરેલું બોક્સ લીધું હતુ. બાદમાં વિજય ગોસ્વામીની સુચના મુજબ ભાવેશ લાખા ભોઇ (મુળ રહે. ચકલાસી ભાગોળ, નડિયાદ) લઇ આવ્યો હતો.
આ અંગે હરેશ રામજી રાખોલીયા (રહે.તલાલા)ની અટક કરી પુછપરછ કરતાં રાજા પટાટ મારફતે વિજય મોહનપુરી ગોસ્વામી, જીગ્નેશને અલગ અલગ તારીખે અલગ અલગ સ્થળે રૂ.50 લાખ જેટલી રકમ આપી હતી. તેના બદલામાં વિજય અને જીગ્નેશએ રૂ.એક કરોડની બનાવટી નોટો પરત લેવાના હોવાની હકિકત જણાવી હતી.
આ ઉપરાંત જીગ્નેશની તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, તેનું મુળ નામ તરબેઝ યુનુસ કુરેશી (રહે. લુહાણા, તા. સાવરકુંડલા, જિ. અમરેલી, હાલ વડોદરા) છે. તેની સામે અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનમાં પણ છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. ભાવેશ લાખા ભોઇ પણ ભુતકાળમાં સોજિત્રા પોલીસ સ્ટેશન અને કાલોલ પોલીસ સ્ટેશન, ચકલાસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલા છે. આમ, પરમાર સુરેશ ફતેસિંહ, પટાટ રાજા કાના, ગોસ્વામી વિજયકુમાર મોહનપુરી, વાળા પ્રકાશ વિક્રમ, તરબેઝ યુનુશ કુરેશી, હરેશ રામજી રાખોલીયા, ભાવેશ લાખા ભોઇએ ભેગા મળી રૂ.17 લાખની કિંમતવાળી બોગસ ચલણી નોટ સામાન્ય નાગરિકને ઠગાઇ કરવાના હેતુસર રાખી હોવાનો ઘટસ્ફોટ તથાં તમામ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
તારાપુરમાં 17 લાખની રૂ.500ની નકલી નોટ સાથે સાથે 4 પકડાયા
By
Posted on