Charotar

તારાપુરમાં પ્રેમીએ પ્રેમિકાના પતિની ક્રૂર હત્યા કરી


તારાપુર તાલુકાના ઇસરવાડા ગામની સીમમાં શનિવારના રોજ લોહી લુહાણ હાલતમાં 19 વર્ષિય યુવકનો મૃતદેહ મળ્યો હતો, માતરના શખ્સે માથામાં ઘા કરી હત્યા કરી હતી

(પ્રતિનિધિ) તારાપુર તા.7

તારાપુર તાલુકાના ઇસરવાડા ગામની સીમમાં શનિવારના રોજ લોહી લુહાણ હાલતમાં 19 વર્ષિય યુવકનો મૃતદેહ મળ્યો હતો. આ અંગે ઘટના સ્થળે પહોંચેલી પોલીસે તપાસ કરતાં મૃતક યુવકને માથામાં ઘા ઝીંકી હત્યા કરી હોવાનું જણાયું હતું. આથી, મૃતકના પરિવારજનોની પુછપરછ કરતાં મૃતક યુવકની પત્નીને માતરના યુવક સાથે આડો સંબંધ હોવાથી હત્યા કરાઇ હોવાની ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
તારાપુરના ઇસરવાડા ગામમાં રહેતા મનુભાઈ ખોડાભાઈ રાઠોડ છેલ્લા કેટલાક વરસોથી રોજગાર અર્થે મહેમદાવાદના સણસોલી ગામમાં સ્થાયી થયાં હતાં. જોકે, તેઓ અવાર નવાર ઇસરવાડા ગામમાં આવતાં રહેતાં હતાં. મનુભાઇના પુત્ર સંજય (ઉ.વ.19)નું લગ્ન થયું હતું. દરમિયાનમાં લોહી લુહાણ હાલતમાં સંજયનો મૃતદેહ ઇસરવાડા ગામની સીમમાં આવેલી કેનાલ નજીક મળી આવ્યો હતો. આ અંગે તારાપુર પોલીસને જાણ કરતાં પોલીસ ઇન્સ્પેક્ટર કે. ડી. બ્રહ્મભટ્ટ સહિતની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં જ સંજય રાઠોડના માથામાં ગંભીર ઇજાના નિશાન જોવા મળ્યાં હતાં. આથી, તેની હત્યા થઇ હોવાનું ખુલ્યું હતું.
આ અંગે તારાપુર પોલીસે સંજયના પરિવારજનોની પુછપરછ કરતાં સમગ્ર બનાવમાં તેની પત્નીના પ્રેમસંબંધમાં હત્યા કરાઇ હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે સંજયના પિતા મનુભાઈ રાઠોડે તારાપુર પોલીસ મથકે ફરિયાદમાં જણાવ્યું હતું કે, પુત્રવધુ સાથેના પ્રેમસંબંધના કારણે તેના દિકરા સંજયને ઇસરવાડા – કાનાવાડા રોડ પર કેનાલ નજીક ઝાંખરામાં બોલાવી જયેશ ઉર્ફે લાલો સુરેશ ઝાલા મકવાણા (રહે. દલોલી, તા. માતર)એ માથામાં ગંભીર ઇજા પહોંચાડી હત્યા કરી લાશને ફેંકી દીધી હતી. આ ફરિયાદ આધારે તારાપુર પોલીસે જયેશ ઉર્ફે લાલો સુરેશ ઝાલા મકવાણા (રહે. દલોલી, તા. માતર) સામે ગુનો નોંધી તેની ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યાં હતાં.

Most Popular

To Top