વડોદરા: આગામી સમયમાં ચૂંટણી હવે નજીક આવી રહી છે ત્યારે શહેરમાં રાજકીય તાપમાન ઊંચું થતું જઈ રહ્યું છે. રાજકીય પક્ષો અને સામાજિક સંગઠનો તરફથી એક પછી એક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાંથી ઘણા કાર્યક્રમો પોલીસે મંજૂરી ન આપતાં છતાં યોજાતા હોવાનો આક્ષેપ પણ ઊઠી રહ્યો છે. તાંદલજામાં હાલમાં યોજાયેલા વિરોધ પ્રદર્શન મામલે ભાજપના કોર્પોરેટર નીતિન દોંગાએ પોલીસ કમિશનરને પત્ર લખી માહિતી આપી છે કે વિવાદિત વકફ બીલ અને યુ.સી.સી.ના કાયદા વિરોધમાં યોજાયેલા પ્રદર્શન માટે કોઈપણ પ્રકારની પોલીસ મંજૂરી લેવામાં આવી ન હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો, બાળકો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા અને કોઈ પણ જાતની તકેદારી વિના આયોજન થતાં લોકોના જીવને જોખમમાં મૂકી દેવામાં આવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે જાહેરપત્રમાં પોલીસ પરમીશન હોવાનું બતાવવામાં આવ્યું છે, જ્યારે હકીકતમાં એવી કોઈ મંજૂરી લેવાઈ નહોતી.
બીજી તરફ, કોંગ્રેસના અનુસૂચિત જાતિ સેલના ચેરમેન મહેશ સોલંકીએ પણ ભાજપ સામે તીવ્ર વલણ અપનાવ્યું છે. તેમણે આરોપ લગાવ્યો છે કે 17 એપ્રિલના રોજ દાંડિયા બજાર ચાર રસ્તા પાસે ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ પાર્થ પુરોહિતના નેતૃત્વમાં રાહુલ ગાંધીનું પૂતળું સળગાવવામાં આવ્યું હતું. આ ઘટનાના કારણે ટ્રાફિકજામ સર્જાયો અને એક એમ્બ્યુલન્સને પણ ખોટી દિશામાં જવું પડ્યું હતું. તેમનું કહેવું છે કે ઘટના સ્થળે હાજર પોલીસ અધિકારીઓ માત્ર પ્રેક્ષક બની રહ્યા અને કોઈ કાર્યવાહી કરી નહોતી. હવે બંને પક્ષોએ એકબીજા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવાની માગણી ઉઠાવી છે.