Vadodara

તાંદલજામાં નજીવા વરસાદમાં જ રોડ ઉપર ખાડા પડ્યા

વડોદરામાં બસ હજુ તો વરસાદની શરૂઆત જ થઈ છે. ત્યારે કેટલાય વિસ્તારો હજુ પણ કોરાધાકોર છે અને જ્યાં વરસાદ પડ્યો છે ત્યાં સામાન્ય જ પડ્યો છે. પરંતુ વડોદરા મહાનગર પાલિકાના તંત્રનું પાપ અત્યારે જ છાપરે ચઢીને પોકારી રહ્યું છે. જી હાં પ્રથમ વરસાદમાં જ ક્યાંક પાલિકાની બેદરકારીના કારણે પાણી ભરાઈ રહ્યા છે તો ક્યાંક કરોડોના ખર્ચે નવા બનેલા રોડ બેસી ગયા છે. વડોદરા શહેરમાં નજીવા વરસાદમાં વિકાસ ધોવાય ગયો હોવાના પુરાવા સામે આવ્યા છે. વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં પ્રથમ વરસાદમાં જ ઠેર ઠેર ખાડા પડ્યા. ચોંકાવનારી વાત એ છેકે, તાંદલજા વિસ્તારમાં 6 મહિના પહેલાં જ બનાવવામાં આવેલો રસ્તો ધોવાય ગયો એટલું જ નહીં ક્યાંક ક્યાંક તો ડ્રેનેજના પાણી ઊભરાવવાની પણ સમસ્યા જોવા મળી.
કોન્ટ્રાક્ટર અને પાલિકાના અધિકારીઓના ભ્રષ્ટાચારના કારણે સમસ્યાનો સામનો જનતાએ કરવો પડે છે.. તાંદલજા વિસ્તારમાં પણ કંઈક આવીજ પરિસ્થિતિનું નિર્માણ થયું. વડોદરા મહાનગર પાલિકા સ્માર્ટ શહેરના નામે કરોડો રૂપિયાનો વેડફાટ કરી રહી છે. રોજિંદા રોડ પર પસાર થતાં લોકો પાલિકાની બેદરકારીના કારણે હાલાકી ભોગવી રહ્યા છે. હજુ તો પ્રથમ વરસાદ જ પડ્યો છે. આખું ચોમાસું હજુ બાકી છે. ત્યારે પાલિકાની કામગીરી પર પ્રથમ વરસાદમાં જ સવાલ ઉઠવા લાગ્યા છે. જોકે હવે ફરીથી સમારકામના નામે આ રોડ પર કરોડો રૂપિયાનો વેડફાટ થશે.
ત્યારે સ્થાનિકોનું કહેવું છે કે પ્રિ મોન્સુનની કામગીરી માત્ર કરવા માટેજ છે બાકી પાલિકાના સત્તધીશો, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર પોત પોતાના ખિસ્સા ભરે છે અને એમના પાપના કારણે પ્રજાને હાલાકી ભોગવવી પડે છે. આ ખાડાના કારણે સ્થાનિકમ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને કોઈ મોટો અકસ્માત સર્જાય શકે છે કોઈ નિર્દોષ નો જીવ પણ ગુમાવવાનો વારો આવશે.

Most Popular

To Top