Vadodara

તાંદલજાની કિસ્મત ચોકડી ‘ડેન્જર ઝોન’ બની, સ્પીડ બ્રેકરના અભાવે અકસ્માતો વધ્યા


(પ્રતિનિધિ), વડોદરા. તા.9
વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા તાંદલજા વિસ્તારમાં આવેલી કિસ્મત ચોકડી હાલ અકસ્માતોનું કેન્દ્ર બની ગઈ છે. ચાર રસ્તા પર સ્પીડ બ્રેકર ન હોવાને કારણે વાહનચાલકો બેફામ ગતિએ વાહનો દોડાવી રહ્યા છે, જેના કારણે રોજબરોજ નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. સ્થાનિક રહીશો દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર તરફથી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી.
કિસ્મત ચોકડી વિસ્તારનો મહત્વપૂર્ણ જંક્શન છે, જ્યાંથી દરરોજ હજારો લોકો પસાર થાય છે. આસપાસ રહેણાંક સોસાયટીઓ, શાળાઓ અને વેપારી સંકુલો હોવાથી બાળકો અને વૃદ્ધોની અવરજવર પણ વધુ રહે છે. છતાં અહીં વાહનોની ગતિ નિયંત્રિત કરવા માટે કોઈ સ્પીડ બ્રેકર ન હોવાથી વાહનચાલકો ઝડપથી પસાર થાય છે.
ચારેય દિશામાંથી આવતા વાહનો કોઈ રોકટોક વિના પૂરપાટ ઝડપે પસાર થતા હોવાના કારણે અકસ્માતનું જોખમ સતત વધતું જાય છે. ખાસ કરીને રાત્રિના સમયે વિઝિબિલિટી ઓછી હોવાને કારણે પરિસ્થિતિ વધુ જોખમી બની જાય છે. છેલ્લા કેટલાક સમયમાં અહીં અનેક ટુ-વ્હીલર અને રિક્ષા ચાલકો વચ્ચે અથડામણના બનાવો બન્યા છે, જેમાં અનેક લોકોને ઈજાઓ પહોંચી છે.
સ્થાનિક લોકોની માંગ છે કે કિસ્મત ચોકડીના તમામ રસ્તાઓ પર તાત્કાલિક સ્પીડ બ્રેકર બનાવવામાં આવે અને યોગ્ય ટ્રાફિક સૂચક બોર્ડ મૂકવામાં આવે. તેઓએ ચેતવણી આપી છે કે જો તંત્ર વહેલી તકે પગલાં નહીં ભરે, તો કોઈ ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે.
હવે જોવાનું રહ્યું કે વડોદરા મહાનગર સેવા સદન અને ટ્રાફિક વિભાગ આ મુદ્દે ઝડપથી કાર્યવાહી કરે છે કે નહીં.

Most Popular

To Top