Vadodara

તાંદલજાના રહીશોનો ગંદા પાણી મુદ્દે વડીવાડી પાણી પુરવઠા કચેરીએ હલ્લાબોલ


છેલ્લા બે મહિનાથી દૂષિત પાણી સમસ્યાથી રહીશો પીડાય છે

વડોદરા શહેરના તાંદલજાના સોદાગર પાર્કના સ્થાનિક રહીશોએ ગંદા પાણીની સમસ્યાને લઈને વડી વાળી પાણી પુરવઠા કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો.


વડોદરા શહેરના તાંદલજા વિસ્તારના સોદાગર પાર્કમાં છેલ્લા બે મહિનાથી ગંદા પાણીની સમસ્યાથી સ્થાનિક રહીશો ત્રસ્ત થઈ ગયા છે . આ મામલે સ્થાનિક રહીશોએ વારંવાર ફરિયાદો કરી હોવા છતાં કોઈ સમાધાન આવ્યું નથી. ત્યારે આજે સોદાગર પાર્કના સ્થાનિક રહીશોએ સામાજિક કાર્યકર અશફાક મલિકની આગેવાનીમાં વડીવાળી પાણી પુરવઠા કચેરીએ હલ્લાબોલ કર્યું હતું અને પાણી પુરવઠા અધિકારીનો ઘેરાવ કર્યો હતો. જોકે અંતે અધિકારીએ તરત જ સ્થળ મુલાકાત કરી કામગીરી શરૂ કરવાની બાહેધરી આપતા રહીશોનો રોષ થાળે પડ્યો હતો.
અધિકારીએ નિવેદન આપ્યું હતું કે જ્યારે કર્મચારી સમસ્યાનું નિરાકરણ કરવા માટે સ્થળ પર જાય છે. ત્યારે સ્થાનિકો દ્વારા આરસીસી રોડ નહીં તોડવા કહેતા હોય છે, તેની સામે સ્થાનિક રહીશોએ અધિકારી ખોટું નિવેદન આપી રહ્યા હોય તેવા આક્ષેપો કર્યા હતા.



સામાજિક કાર્યકર અશફાક મલિકે જણાવ્યું હતું કે તાંદલજા સોદાગર પાર્કના રહીશો છેલ્લા બે મહિના ઉપરાંતથી ગંદા પાણીની સમસ્યાથી પીડાય છે. મેં જાતે પણ ઘણીવાર ફરિયાદ કરી છે. જ્યારે ફરિયાદ કરીએ છીએ ત્યારે એક ફૂટ બે ફૂટ જેટલી કામગીરી કરીને જતા રહેતા હોય છે અને કોઈ પણ પ્રકારનું સોલ્યુશન આવતું નથી. સ્થાનિકો જ્યારે છેલ્લા બે મહિનાથી ગંદા પાણીની સમસ્યાથી હેરાન થઈ રહ્યા છે. આજે અમે કચેરીએ ફરિયાદ કરવા માટે આવ્યા ત્યારે અધિકારી કહે છે કે ગટર ભરાયેલી છે. પરંતુ ગટર ભરાઈ ગઈ હોય કે પાણી ગંદુ આવતું હોય એ કોર્પોરેશનનો પ્રશ્ન છે . અધિકારીઓનું એવું કહેવું છે કે ગટરો ખાલી કરાવી નાખો તો પરમેનેન્ટ સોલ્યુશન આવી જશે. આ કામ જે સ્થાનિકો વેરો ફરે છે તેનું કામ છે કે કોર્પોરેશનના અધિકારીઓનું કામ છે? લાઈનો ચેક કરી નથી અને ખોટા સ્ટેટમેન્ટ આપવા એ યોગ્ય નથી. સોસાયટીના લોકો પર આરોપ લગાવવામાં આવે છે કે કામ કરવા દેવામાં આવતું નથી. પરંતુ અધિકારીઓ ક્યારે આવ્યા, કયા કામ માટે આવ્યા તે બતાવે એ નહી બતાવી શકે. કારણ કે એ સદંતર અધિકારી ખોટું બોલી રહ્યા છે. પોતાનો બચાવ કરી રહ્યા છે. હાલ અમારી રજૂઆત સાંભળી અધિકારી રૂબરૂ સ્થળ પર આવી કામગીરી શરૂ કરાવવાની બાહેધરી આપી છે.

Most Popular

To Top