સેવાસી સહિતના કાંસ પરના દબાણો દૂર કરવાની માંગ સાથે ચાર ગામોના આગેવાનો દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર
26 ઓગસ્ટથી સતત ત્રણ દિવસ સુધી વડોદરા શહેર તથા આસપાસના વિસ્તારોમાં પૂરપ્રકોપને કારણે લોકોને ભારે હાલાકી વેઠવાનો તથા મોટા પાયે નુકસાન ઉઠાવવાનો વારો આવ્યો હતો. જેમાં વડોદરા મહાનગરપાલિકામાં સમાવિષ્ટ સાત ગામો પણ બાકાત રહ્યાં ન હતાં તેની પાછળનું કારણ વરસાદી કાંસો તથા વિશ્વામિત્રી નદી ઉપરના ગેરકાયદેસર રીતે બિલ્ડરો દ્વારા કરાયેલા દબાણો હોવાની લોકચર્ચા છે . જેમાં વડોદરાની આસપાસના નવા વિસ્તારો પણ ગેરકાયદેસર વરસાદી કાંસો પરના દબાણોમાં બાકાત નથી રહ્યાં. સેવાસી ખાતે ‘મોટા તળાવ’ તરીકે ઓળખાતું તળાવ 14 થી15 હજાર સ્કવેર ફૂટમા ફેલાયેલુ છે અહીં છેલ્લા ઘણા વર્ષોમાં પૂરના પાણીને કારણે કંઇ અસર નથી થઇ. પરંતુ આ વર્ષે આ તળાવ ઓવરફ્લો થયું હતું અને તેનું પાણી બેક મારતાં નુકસાન થયું છે. અગાઉ આ તળાવમાં ઓવરફ્લો થાય તો પાણી ભાયલી બીલ, ચાપડ થઇ વિશ્વામિત્રી નદી માંથી દરિયામાં જતું હતું. પરંતુ આ વર્ષે આ પાણી બેક મારી સમગ્ર પંથકમાં જોવા મળ્યું હતું અહીં સેવાસીના સર્વે નંબર 639 પર કાંસો પર ગેરકાયદેસર રીતે બિલ્ડરો દ્વારા દબાણો કરી દેવાતા આ પરિસ્થિતિ નિર્માણ પામી છે. ત્યારે આજે સેવાસી, ખાનપુર, અંકોડીઆ તથા ભાયલીના આગેવાનો દ્વારા ‘તળાવ બચાવો, કાંસો બચાવો તથા પ્રકૃતિ બચાવો’ અંતર્ગત ‘આપણે પ્રકૃતિનો બચાવ કરીશું તો પ્રકૃતિ પણ આપણો બચાવ કરશે’ તે અંતર્ગત કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સાથે આ ગેરકાયદેસર દબાણો દૂર કરવા રજૂઆત કરી હતી.
તળાવ બચાવો, કાંસ બચાવો, પ્રકૃતિ બચાવો, ચાર ગામના લોકોએ કલેકટરને કર્યો અનુરોધ
By
Posted on