વડોદરા શહેરના કાશી વિશ્વનાથ તળાવને ખાલી કરવાની કામગીરી ચાલી રહી હોવાથી તેમાં વસવાટ કરતા જળચર જીવોના જીવન પર ગંભીર જોખમ ઊભું થયું
(પ્રતિનિધિ) વડોદરા, તા. 3
વડોદરા શહેરના કાશી વિશ્વનાથ તળાવને ખાલી કરવાની કામગીરી ચાલી રહી હોવાથી તેમાં વસવાટ કરતા જળચર જીવોના જીવન પર ગંભીર જોખમ ઊભું થયું છે. તળાવમાંથી પાણી ઓછું થતાં અનેક જળચર જીવો બહાર આવવા મજબૂર બન્યા છે. આવી જ એક ઘટનામાં તળાવમાંથી બહાર આવી કન્સ્ટ્રક્શન સાઇટમાં ફસાઈ ગયેલા પાણીના કાચબાને વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના વોલન્ટિયરો દ્વારા સમયસર રેસ્ક્યુ કરી તેનો જીવ બચાવવામાં આવ્યો હતો.

વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના વોલન્ટિયર તુષાર ઉત્તેકરે જણાવ્યું હતું કે હાલ શહેરમાં વિવિધ તળાવો ખાલી કરવાની કામગીરી ચાલી રહી છે, જેમાં કાશી વિશ્વનાથ તળાવનો પણ સમાવેશ થાય છે. પાણી ખાલી થતાં તળાવમાં રહેલા અનેક જળચર જીવોને નુકસાન થવાની શક્યતા છે અને ઘણા જળચર જીવ બહાર આવી રહ્યા છે. આવી જ સ્થિતિમાં સાઇટ પરથી કોલ મળ્યો હતો કે એક પાણીનો કાચબો બહાર આવી કન્સ્ટ્રક્શન સાઇટમાં ફસાઈ ગયો છે.કોલ મળતાની સાથે જ વોલન્ટિયરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા, જ્યાં કાચબો નજરે પડ્યો હતો. કાળજીપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન કરીને કાચબાને સલામત રીતે બચાવી વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.

આ સાથે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, તળાવો ખાલી કરતી વખતે જો કોઈ જળચર જીવ બહાર આવે તો તેને નુકસાન ન પહોંચાડતા તરત જ રેસ્ક્યુ ટીમનો સંપર્ક કરવામાં આવે, જેથી આવા જળચર જીવોને સુરક્ષિત રીતે વન વિભાગને સોંપી તેમનો જીવ બચાવી શકાય.