સ્થાયી સમિતિની બેઠકમાં 20 કરોડથી વધુના 8 કામો સર્વાનુમતે મંજૂર
ઓડિટ રિપોર્ટ, પાણી પુરવઠો, પક્ષીઓની ખરીદી, વૃક્ષોની જાળવણી અને કોલ સેન્ટર સહિતના નિર્ણયો લેવાયા
આજે વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં કુલ 8 કાર્યોને ચર્ચાઓ બાદ સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે, જેમાં ઓડિટથી લઈને પાણી પુરવઠો, વૃક્ષ સંભાળ, નવા પક્ષીઓની ખરીદી અને કોલ સેન્ટર સુધીના વિવિધ વિષયો પર ચર્ચા બાદ મંજૂરી આપવામાં આવી છે. આ તમામ કામો માટે અંદાજિત કુલ ખર્ચ રૂ. 20 કરોડની આસપાસ છે. ઓડિટ વિભાગના બે આઇટમ મુજબ પાંચ અલગ અલગ સપ્તાહો માટેના પોસ્ટ ઓડિટ રિપોર્ટ ચીફ ઓડિટર તરફથી મળ્યાં હતા. સમિતિએ બંને રિપોર્ટોને જાણમાં લીધાં હતાં. મિકેનિકલ વિભાગમાં અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈની જોગવાઈ હેઠળના વિકાસ કાર્ય માટે એક સામાજિક સંસ્થાને વૃક્ષોને પાણી આપવા માટે રૂ. 4.90 લાખના ખર્ચે TATA ACE GOLD CX પેટે્રોલ મોડલનું વાહન સીધું GeM પોર્ટલ પરથી ખરીદવાની મંજૂરી અપાઈ છે. વધુમાં શ્રી સયાજીબાગ ઝૂ માટે પક્ષીઓ ખરીદ કરવા રૂ. 84.67 લાખના ખર્ચે ઇજારદાર હોબિસ્ટ ડેન એક્ઝોટિક પેટ્સના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે, જે મૂળ અંદાજ કરતાં 2.58% ઓછું છે. પાણી પુરવઠા વિભાગ હેઠળ તરસાલી નવિન વિસ્તાર માટે નવા બૂસ્ટિંગ સ્ટેશન માટે રૂ. 20.44 કરોડના ટેન્ડરને મંજૂરી અપાઈ છે.
પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગે પૂર્વ ઝોન માટે ઝાડ કાપવા, ડિવાઇડર અને અર્બન ફોરેસ્ટ માટે જૂના ટેન્ડર હેઠળ રૂ. 30 લાખ અને ઉત્તર ઝોન માટે રૂ. 50 લાખની નાણાકીય મર્યાદા વધારવાની મંજૂરી આપી છે. આઇટી વિભાગમાં ચોમાસા દરમિયાન વધુ ફરિયાદો સંભાળવા કોલ સેન્ટર માટે 4 મહિના માટે 5 નાઇટ શિફ્ટ એજન્ટ્સ માટે રૂ. 3 લાખના ખર્ચે મંજૂરી અપાઈ છે.