સ્થાનિકોએ પાલિકા તંત્ર અને કોન્ટ્રાકટર ની કામગીરી સામે વિરોધ દર્શાવ્યો
અહીં નાના બાળકો રમતા હોય છે ત્યારે ખુલ્લા ડ્રેનેજ નાળામાં પડી જવાનો ભય છતાં સ્થાનિક નેતાઓ કે કાઉન્સિલરો આવતા નથી

(પ્રતિનિધિ) વડોદરા તા.21
શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા ચંદ્ર નગરની બાજુમાં મારુતિધામ સોસાયટી પાછળ ખુલ્લા ડ્રેનેજ નાળનો કચરો બાજુમાં જ ઠાલવી દેવાતાં સ્થાનિકો દ્વારા પાલિકા તંત્ર અને તેના કોન્ટ્રાકટર દ્વારા કરાયેલી કામગીરી સામે વિરોધ દર્શાવ્યો.

શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા કમળાપાર્કની બાજુમાં મારુતિધામ સોસાયટી પાછળ ડ્રેનેજ નાળાની સફાઇ કરીને કોન્ટ્રાકટર દ્વારા કચરો બહાર કાઢી મૂકી દેતાં સમગ્ર વિસ્તારમાં સ્થાનિકો દુર્ગંધથી પરેશાન થઇ ગયા છે સાથે જ આ ખુલ્લી ડ્રેનેજને કારણે કોઇ પડી જાય તેવો ભય છે. આ વિસ્તારમાં આર સી સી રોડની સુવિધા નથી તદ્પરાંત બાજુમાં આવેલી દુર્ગેશ્વરી સોસાયટીમાં ચોથા માળ સુધી પાણી પહોંચે છે પરંતુ મારુતિધામ સોસાયટીમાં પાણીના ધાંધિયા છે તેમ છતાં સ્થાનિક નેતાઓ કે મ્યુનિસિપલ કાઉન્સિલરો જોવા સુધ્ધાં આવતા નથી અહીં ચોમાસામાં પાણી ભરાઇ જવાને કારણે લોકોને ખૂબ જ હાલાકી ભોગવવાનો વારો આવે છે. સોસાયટી ના પ્રમુખને પણ ઘણી રજૂઆતો કરવા છતાં આજદિન સુધી કોઇ નિકાલ ન આવતા સ્થાનિકોએ ભેગા થઇ તંત્રની કામગીરી નો વિરોધ દર્શાવી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.

અહીં તીવ્ર વાસ અને ખુલતા ડ્રેનેજના નાળામાં બાળકોને પડી જવાનો ભય છે
આ તરસાલી વિસ્તારમાં આવેલા ચંદ્રનગરની બાજુમાં આવેલા મારુતિધામ સોસાયટી છે અહીં ડ્રેનેજનો કચરો બહાર કાઢી છોડી દેવામાં આવતા તીવ્ર દુર્ગંધ ફેલાઈ છે સાથે જ બાળકો અહીં રમતા હોય છે ત્યારે ખુલ્લી ડ્રેનેજ નાળામાં કોઈ બાળક ડૂબી જાય તો જવાબદાર કોણ? આ ખુલ્લી ડ્રેનેજ નાળું જોખમી છે છતાં કોઈ નેતા કે કાઉન્સિલરો અહીં આવતા નથી ત્યારે આવી જગ્યાએ મોંઘા મકાનો લઈ પસ્તાવાનો વારો આવ્યો છે પ્રમુખને પણ કંઈ પડી નથી.
-કાનન પંચાલ, સ્થાનિક મહિલા,મારૂતિધામ સોસાયટી, તરસાલી