Vadodara

તરસાલીમાં MGVCLની જીપ બેકાબૂ, ડિવાઈડર કૂદીને સીધી મકાનમાં ઘૂસી, મોટી હોનારત ટળી

બંસલ મોલ સામે વીજ કંપનીના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા સર્જાઈ દુર્ઘટના,

અકસ્માત સર્જી ગાડીમાં સવાર MGVCLના ચાર કર્મચારીઓ વાહન ઘટનાસ્થળે જ મૂકીને પલાયન થઈ ગયા

(પ્રતિનિધિ), વડોદરા. તા.21

વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાતા સમગ્ર પંથકમાં અફરાતફરી મચી ગઈ હતી. બંસલ મોલની સામેના રોડ પર MGVCL (મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ) ની એક ગાડીના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ગાડી સીધી જ સામે આવેલા એક મકાનના કમ્પાઉન્ડમાં ઘૂસી ગઈ હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મકાનને ભારે નુકસાન પહોંચ્યું છે.

મળતી માહિતી મુજબ, MGVCLની સરકારી ગાડી પૂરઝડપે પસાર થઈ રહી હતી ત્યારે બંસલ મોલ પાસે ચાલકે અચાનક કાબૂ ગુમાવ્યો હતો. ગાડી એટલી ઝડપમાં હતી કે તે રોડ વચ્ચેના ડિવાઈડર પરથી ઉછળીને સામેના મકાનની કમ્પાઉન્ડ વોલ સાથે ધડાકાભેર ટકરાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે મકાનની દિવાલ તૂટી ગઈ હતી અને ગાડી સીધી અંદર સુધી ઘૂસી ગઈ હતી.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, અકસ્માત સમયે ગાડીમાં MGVCLના ચાર કર્મચારીઓ સવાર હતા. અકસ્માત થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા, જેનો લાભ ઉઠાવીને ચારેય કર્મચારીઓ પોતાની ગાડી ઘટનાસ્થળે જ મૂકીને ફરાર થઈ ગયા હતા.

ટક્કરનો અવાજ એટલો ભયાનક હતો કે રહીશોમાં ફાળ પડી હતી. ઘટનાની જાણ થતા જ મકરપુરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનનો કબજો લઈ આગળની તપાસ હાથ ધરી છે. હવે જોવાનું એ રહે છે કે, સરકારી વાહન દ્વારા થયેલા આ નુકસાન અને લાપરવાહી બદલ મકરપુરા પોલીસ અને વીજ કંપની તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે.

Most Popular

To Top