કંપનીમાંથી ટ્રેકટરો લઈ શો રૂમ પર મુકવા જતા સમયે બની ઘટના :
રોડ બનાવવાની કામગીરીમાં વેઠ ઉતારી હોવાથી પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મીલીભગત સામે આવી :
( પ્રતિનિધિ )વડોદરા,તા.12
સ્માર્ટ સિટી વડોદરા શહેરના રાજમાર્ગોની ખખડધડ હાલત થઈ છે નગરજનો રોડ પર પડેલા ખાડા અને ભુવાથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ત્યારે,ગત રાત્રીએ શહેરના તરસાલી વિસ્તારમાં શોરૂમ પર જઈ રહેલું 6 ટ્રેક્ટર ભરેલુ ટ્રેલર ભુવામાં ફસાઈ ગયું હતું. જેને જહેમત બાદ ક્રેઈનની મદદથી બહાર કાઢવાની ફરજ પડી હતી.
વડોદરા શહેરમાં દર વખતની જેમ આ વખતે પણ ચોમાસાની સિઝનમાં શહેરના રાજમાર્ગો પર ખાડાઓની ભરમાર જોવા મળી રહી છે તો બીજી તરફ રોડ પર ભુવાઓ નિર્માણ પામી રહ્યા છે. યોગ્ય કામગીરીના અભાવે રોડ બેસી જવા રોડ પર ભુવા પડવા સહિતની સમસ્યાઓ સામે આવી રહી છે. તેવામાં તરસાલી રવિ પાર્ક ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહેલું 6 જેટલા ટ્રેક્ટર ભરેલું ઓવર લોડેડ ટ્રેલર ભુવામાં ફસાઈ ગયું હતું. કંપનીમાંથી માલ ભરી શોરૂમ પર જતી વખતે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ટ્રકના ટ્રેલરના પાછળના ભાગનું આખું ટાયર રોડમાં ખૂંપી ગયું હતું. આ ઘટનાને લઈને રોડ બનાવવાની કામગીરીમાં વેઠ ઉતારાયો હોવાની પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મીલીભગત સપાટી પર આવવા પામી હતી. જ્યારે બીજી તરફ રોડ બેસી જવાના કારણે આ માર્ગ ઉપર મોટો ભુવો નિર્માણ પામ્યો છે. જો વહેલી તકે ભુવો પુરવાની કામગીરી કરવામાં નહીં આવે તો આ ભુવો મોટું સ્વરૂપ ધારણ કરી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. નોંધનીય છે કે, પ્રથમ વરસાદેજ પાલિકાની પ્રિમોન્સૂનની કામગીરીની પોલ ઉઘાડી પાડી હતી. વરસાદમાં રોડ રસ્તા ધોવાઈ જતા ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય સર્જાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાની ફરજ પડી રહી છે.