Vadodara

તરસાલીમાં દિવાળીપુરા વસાહતના પાણી, વીજ જોડાણ કપાયા

વસાહતના 312 મકાનો જર્જરિત , અગાઉ કામગીરી દરમિયાન પથ્થર મારો અને ગર્ષણ થતાં કામગીરી મોકૂફ રખાઈ હતી



વડોદરા: વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા દિવાળીપુરા વસાહતના 312 મકાનના પાણી ડ્રેનેજ અને વીજ કનેક્શન કાપવા ગત તારીખ 15મી જુનના રોજ કોર્પોરેશનની ટીમ પહોંચી હતી.ત્યારે સ્થાનિક રહીશોએ તેમનો ઘેરાવો કરી પથ્થરમારો કર્યો હતો. એટલું જ નહીં અધિકારીઓની ગાડીની આગળ સૂઈ જઈ વિરોધ કરતા આખરે કામગીરી અટકાવી દેવી પડી હતી. ત્યારબાદ આજે ગુજરાત હાઉસિંગ બોર્ડ અને કોર્પોરેશનએ પોલીસ અને એમજીવીસીએલની મદદ લઈ જર્જરિત એવા 312 મકાનોના પાણી ડ્રેનેજ અને વીજ કનેક્શન કાપવામાં આવ્યા હતા. તે સમયે મહિલાઓ વિરોધ કરવા બહાર નીકળી હતી પરંતુ પોલીસે તમામ મહિલાઓને ઘરમાં પરત મોકલી દીધી હતી.

તરસાલી તળાવ પાસે દીવાળીપુરા સ્લમ ક્લીયરન્સ બોર્ડે 35 થી 40 વર્ષ પહેલાં બનાવેલા મકાનોને અવારનવાર કોર્પોરેશન અને ગુજરાત હાઉસીગ બોર્ડે નોટિસ આપી હતી. છતાં ખાલી કરતા નહિં હોવાથી તારીખ 15 મી જુનના રોજ કોર્પોરેશન, ગુજરાત હાઉસિંગ બોર્ડ, પોલીસ પાણી અને ડ્રેનેજના કનેક્શન કાપવા સ્થળ પર પહોંચ્યા ત્યારે લોકોને લાગ્યું કે મકાનો તોડવા આવ્યા છે જેથી વિરોધ કર્યો હતો. સતત બે કલાકના ઘર્ષણબાદ કેટલાક ઉશ્કેરાયેલા રહીશોએ અધિકારીઓની ગાડી નીચે સૂઈ જઈ વિરોધ કર્યો હતો. એટલું જ નહિ પથ્થરમારો કરતા મામલો બિચક્યો હતો. જેથી અધિકારીઓને ત્યાંથી તાત્કાલિક રવાના થઈ જવું પડ્યું હતું અને કામગીરી અટકાવી દેવી પડી હતી. વડોદરા શહેરના તરસાલી દીવાળીપુરાના 312 મકાન 35 થી 40 વર્ષ પહેલાં ગુજરાત સ્લમ ક્લિયરન્સ બોર્ડ દ્વારા બનાવવામાં આવ્યા હતા તેઓના મકાનો જર્જરિત થઈ ગયા હોવાથી અવારનવાર મકાનો ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી, તેમ છતાં સ્થાનિક તે મકાનો ખાલી કરવામાં આવતા ન હતા. તાજેતરમાં રાજકોટની ઘટના બાદ હાઈકોર્ટ અને રાજ્ય સરકારની સૂચના પ્રમાણે અનેક ઈમારતો સીલ કરવામાં આવી રહી છે તો બીજી બાજુ જર્જરિત મકાનો તોડી પાડવા કાર્યવાહી શરૂ કરવામાં આવતા દરેક જગ્યાએથી વિરોધ શરૂ થયો હતો અને મકાનો નહીં તોડી પાડવા કોર્પોરેશનની સભામાં કોર્પોરેટરોએ પણ રજૂઆત કરી હતી.તરસાલી દિવાળી પુરાના મકાનોના પાણી ડ્રેનેજ અને વીજ કનેક્શન કાપવા ગયેલી ટીમને 15મી જુનના રોજ પરત ફરવું પડ્યું હતું. ત્યારબાદ આજે વધુ પોલીસનો કાફલો લઈને કોર્પોરેશન અને ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા ત્યારે પોલીસ સાથે કેટલીક મહિલાઓએ વિરોધ વ્યક્ત કરી અમને મારી નાખો તેમ કહીને હોબાળો મચાવ્યો હતો. આખરે પોલીસે દરમિયાનગીરી કરી સમજાવટથી તમામ મહિલાઓને પરત ઘરમાં મોકલી દીધી હતી. ત્યારબાદ કોર્પોરેશન દ્વારા છ થી સાત જેસીબી મશીન એક સાથે કામે લગાડી મુખ્ય પાણીની લાઈન અને ડ્રેનેજના કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા. જ્યારે એમજીવીસીએલ દ્વારા પણ તમામ 312 મકાનના વીજ કનેક્શન કાપી નાખ્યા હતા.

Most Popular

To Top