Vadodara

તરસાલીના નૂર પાર્ક વિસ્તારમાં વર્ષો જૂની પાણીની સમસ્યાનો અંત, કોર્પોરેશન દ્વારા નવી પાઇપલાઇન નાખવાની કામગીરી તેજ

(પ્રતિનિધિ), વડોદરા. તા.7

શહેરના દક્ષિણ ઝોનમાં આવેલા વહિવટી વોર્ડ નં. 16ના રહીશો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ખાસ કરીને તરસાલી દિવાળીપુરા અને નૂર પાર્ક વિસ્તારમાં વર્ષોથી પીવાના પાણીની જે મુખ્ય સમસ્યા હતી, તેનું નિરાકરણ લાવવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.

વડોદરા મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ, નૂર પાર્કમાં સિરાજ પ્રોવિઝન સ્ટોરની ગલીમાં છેલ્લા ઘણા વર્ષોથી પાણીની કાયમી પાઇપલાઇન ની સુવિધા ઉપલબ્ધ નહોતી. આ વિસ્તારના રહીશોને પાણી મેળવવા માટે ભારે હાલાકી ભોગવવી પડતી હતી. આ સમસ્યાને ધ્યાને રાખીને વોર્ડ નં. 16 દ્વારા આશરે 50 મીટર લાંબી નવી પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતા જ સ્થાનિક વિસ્તારના આશરે 200 જેટલા નાગરિકોને સીધો લાભ મળશે અને તેમને ઘર આંગણે જ પૂરતું પાણી મળી રહેશે.

અત્યાર સુધી આ વિસ્તારના લોકો દૂરના સ્થળેથી જોડાણ મેળવીને પાણીનો વપરાશ કરતા હતા, જેના કારણે પાણીનું પ્રેશર ખૂબ જ ઓછું રહેતું હતું. પાલિકાના જણાવ્યા અનુસાર, નવી નળીકા નાખ્યા બાદ તમામ કનેક્શન નવી લાઇન પર ટ્રાન્સફર કરવામાં આવશે. આ વ્યવસ્થાથી પાણીના પ્રેશરમાં મોટો સુધારો જોવા મળશે. વધુ લોકોને પુરતા જથ્થામાં અને ફોર્સથી પાણી ઉપલબ્ધ થશે.

પાલિકા તંત્ર દ્વારા વિસ્તારના વિકાસ અને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા માટે આ કામગીરીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. હાલમાં સ્થળ પર કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જે આગામી ટૂંકા સમયમાં પૂર્ણ કરી લેવામાં આવશે.

Most Popular

To Top