હાલોલમાં સનાતન ધર્મ જાગૃતિ અભિયાન અંતર્ગત વિશાળ ધર્મસભા
દ્વારકા શારદા પીઠાઘીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજના ઉપદેશોથી ભક્તોમાં ધાર્મિક ઉલ્લાસ
હાલોલ |
હાલોલ નગરમાં સનાતન ધર્મ જાગૃતિ અભિયાન અંતર્ગત એક ભવ્ય અને આધ્યાત્મિક માહોલ વચ્ચે વિશાળ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધર્મસભામાં દ્વારકા શારદા પીઠાઘીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજે ઉપસ્થિત રહી સનાતન હિંદુ ધર્મના મહત્વ પર પ્રેરણાદાયક પ્રવચન આપ્યું હતું. તેમણે હિન્દુત્વના રક્ષણ માટે હાકલ કરી હતી.
હર હર મહાદેવના નારા સાથે ભવ્ય સ્વાગત

સમસ્ત બ્રહ્મ સમાજ, જગતગુરુ શંકરાચાર્ય સમિતિ હાલોલ તથા સમસ્ત સનાતન હિંદુ વ્યવસ્થા સમિતિના સંયુક્ત આયોજન હેઠળ શુક્રવારે સાંજે 6:30 કલાકે પાવાગઢ રોડ ઉપર ગાયત્રી મંદિર ખાતે જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજનું હર હર મહાદેવના ગગનભેદી નારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ફુલહાર અને પુષ્પવર્ષા વચ્ચે તેઓનું આત્મીય અભિવાદન કરવામાં આવ્યું હતું.
રેલી સ્વરૂપે આગમન, પાદુકા પૂજન

ગાયત્રી મંદિરથી રેલી સ્વરૂપે જગતગુરુને હાલોલ શહેરના મધ્યમાં, તળાવ કિનારે બ્રાહ્મણ પંચની વાડીના પ્રાંગણમાં વાજતે-ગાજતે લાવવામાં આવ્યા હતા, જ્યાં સ્ટેજ ઉપર બિરાજમાન કરવામાં આવ્યા. આ પ્રસંગે હાલોલ બ્રહ્મ સમાજના અગ્રણીઓ, કંજરી રામજી મંદિરના મહંત શ્રી રામચરણદાસજી મહારાજ તેમજ કંજરી સ્ટેટના યુવરાજ મયુરધ્વજસિંહ દ્વારા ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પાદુકા પૂજન સંપન્ન કરવામાં આવ્યું.
“ધર્મથી જ માનવ કલ્યાણ શક્ય” – જગતગુરુનો સંદેશ

પૂજા-અર્ચના બાદ જગતગુરુએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે સનાતન હિંદુ ધર્મનું બ્રાહ્મણો સહિત સર્વ સમાજ દ્વારા ચુસ્ત પાલન થવું અત્યંત જરૂરી છે. ધર્મના માર્ગે ચાલવાથી જ મનુષ્યનું સાચું કલ્યાણ થાય છે. તેમણે તમામ સનાતન હિંદુઓને એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરવા અને ધર્મનિયમોનું પાલન કરવા માટે ભારપૂર્વક અપીલ કરી હતી.
શહેરના અગ્રણીઓ અને વિવિધ સમાજોની વિશાળ ઉપસ્થિતી

આ ધર્મસભામાં હાલોલ શહેરના અગ્રણી નાગરિકો, હાલોલ ભાજપ શહેર પ્રમુખ, હાલોલ નગરપાલિકા પ્રમુખ, કારોબારી અધ્યક્ષ તેમજ વિવિધ સમાજોના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિભાવ અને ધાર્મિક ઉલ્લાસનું વાતાવરણ છવાયેલું રહ્યું હતું.
કાર્યક્રમના અંતે જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજે સર્વ ઉપસ્થિતોને અંતઃકરણપૂર્વક આશીર્વાદ પાઠવતા કહ્યું કે સર્વ સનાતન હિંદુઓ સુખી, સમૃદ્ધ રહે અને ધર્મના માર્ગે અડગ રહે, એવી ઈશ્વરચરણમાં પ્રાર્થના કરી હતી.
અહેવાલ: યોગેશ ચૌહાણ