Vadodara

તંત્રની બહેરાશ સામે જનતાનો નાદ: અટલાદરામાં બિસમાર રસ્તા મુદ્દે રહીશોએ ઢોલ-નગારા સાથે ગજવ્યું મેદાન

મતોની ખેતી માટે આવતા નેતાઓ કામ કરવામાં કસૂરવાર ચૂંટણી સમયે હાથ જોડતા નેતાઓ જીત્યા પછી મોઢું પણ બતાવતા નથી તેવો સ્થાનિકોએ આક્ષેપ કર્યો

વડોદરા:: શહેરના વોર્ડ નંબર 12 માં આવેલા અટલાદરા વિસ્તારની પ્રમુખસ્વામી કુટીર સોસાયટીના રહીશોએ છેલ્લા ઘણા સમયથી બિસ્માર રોડ-રસ્તા અને પાયાની સુવિધાઓના અભાવે આજે આક્રમક અને અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વર્ષોથી પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા સ્થાનિકોએ ભેગા મળી ઢોલ, નગારા અને મંજીરા વગાડીને મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્થાનિક કોર્પોરેટરો સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, સોસાયટીને જોડતા મુખ્ય રસ્તાઓ અત્યંત ખખડધજ હાલતમાં છે. જેના કારણે અહીં અવારનવાર અકસ્માતો સર્જાય છે. તાજેતરમાં જ બે થી ત્રણ ગંભીર અકસ્માતો થયા હોવાનું અને લોકોના હાથ-પગ તૂટ્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. આટલી ગંભીર સ્થિતિ હોવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.

માત્ર રસ્તા જ નહીં, પણ પીવાના પાણીની સમસ્યા પણ વિકટ બની છે. રહીશોએ આક્ષેપ કર્યો હતો કે પાઈપલાઈન તૂટી જવાને કારણે નળમાં ડોળું અને ગંદુ પાણી આવે છે. જેના લીધે નાના બાળકો બીમાર પડી રહ્યા છે અને લોકોએ પીવાનું પાણી બહારથી ખરીદવાની ફરજ પડી રહી છે. ગટર લાઈનો પણ અવારનવાર ઉભરાતી હોવાથી વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે.

વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા રહીશોએ રોષ સાથે જણાવ્યું હતું કે, “અમે નિયમિત વેરો ભરીએ છીએ, પણ સુવિધાના નામે શૂન્ય છે. ચૂંટણી સમયે મતો લેવા માટે નેતાઓ સોસાયટીમાં આવે છે, પણ જીત્યા પછી કોઈ ડોકાતું નથી. ઘણા રહીશોએ તો એમ પણ કહ્યું કે અમે અમારા વોર્ડના કોર્પોરેટરના ચહેરા પણ જોયા નથી.”
આ વિરોધ પ્રદર્શનમાં સામાજિક કાર્યકર્તાઓ પણ જોડાયા હતા અને રહીશોની માંગણીઓને ટેકો જાહેર કર્યો હતો. તેમણે મ્યુનિસિપલ કમિશનરને અપીલ કરી હતી કે તાત્કાલિક ધોરણે આ વિસ્તારના રસ્તા બનાવવામાં આવે અને રહીશોને હાલાકીમાંથી મુક્તિ અપાવવામાં આવે.

Most Popular

To Top