બોર્ડની પરીક્ષા અને રમઝાન પૂર્વે જ રસ્તો બંધ થતા રોષ; રિક્ષા ચાલકો ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ
વડોદરા: શહેરના પ્રિયલક્ષ્મી મીલ વિસ્તારમાં આવેલું મહત્વનું નાળું રેલવે તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા કોઈપણ પૂર્વ સૂચના આપ્યા વગર અચાનક બંધ કરી દેવામાં આવતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ રસ્તો બંધ થવાને કારણે આસપાસની અડધો ડઝનથી વધુ ચાલીઓ અને સોસાયટીઓના હજારો લોકોનો સંપર્ક મુખ્ય માર્ગ સાથે કપાઈ ગયો છે.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, અગાઉ જ્યારે પણ નાળું બંધ કરવામાં આવતું ત્યારે તંત્ર દ્વારા નોટિસ કે પૂર્વ સૂચના આપવામાં આવતી હતી. પરંતુ આ વખતે માત્ર એક-બે કલાક અગાઉ જ અચાનક રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. આ રસ્તો બંધ થવાથી પ્રિયલક્ષ્મીની ચાલ, પારસીની ચાલ, અલકાનગર, ગાયકવાડી ચાલ, સુરભી એપાર્ટમેન્ટ, રસુલજીની ચાલ અને ડોક્ટર છગનલાલની ચાલ જેવા વિસ્તારોના રહીશો મુશ્કેલીમાં મુકાયા છે.

ગુરુવારથી જ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. મુખ્ય માર્ગ બંધ હોવાથી વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી સમયસર પહોંચવામાં ભારે હાલાકી વેઠવી પડશે. આ ઉપરાંત, ગુરુવારથી મુસ્લિમ બિરાદરોનો પવિત્ર રમઝાન માસ પણ શરૂ થઈ રહ્યો છે. મુખ્ય રસ્તો બંધ થવાને કારણે જીવનજરૂરી ચીજવસ્તુઓ, શાકભાજી કે ફ્રૂટની લારીઓ અંદર આવી શકતી નથી, જેના કારણે જીવનનિર્વાહ મોંઘો અને મુશ્કેલ બન્યો છે.
વૈકલ્પિક રસ્તો બ્રિજ પરથી હોવાથી ત્યાં સતત ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. સ્થાનિક મહિલાઓએ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, રિક્ષા ચાલકો પણ લાંબો ફેરો કરવાના કારણે 20 રૂપિયાના બદલે 100 થી 200 રૂપિયા જેવું ભાડું માંગી રહ્યા છે. બીમારી કે અન્ય ઇમર્જન્સીના સમયે હોસ્પિટલ પહોંચવા માટે આખું શહેર ફરીને જવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
બોક્ષ:- સ્થાનિકોની માંગ…
રહીશોની એક જ માંગ છે કે વહીવટી તંત્ર અને રેલવે વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે અવરજવર માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે અથવા રસ્તો ખુલ્લો કરવામાં આવે. જો તંત્ર દ્વારા વહેલી તકે ઉકેલ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આક્રોશ વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે.