Vadodara

ઢોર પાર્ટીની કાર્યવાહીમાં ગાય ભડકી, દોરડું પગમાં ભરાતા કર્મી 500 મીટર ઢસડાયો

પશુપાલકો અને ઢોર પાર્ટી વચ્ચે ‘તુ-તુ-મેં-મેં’ના દ્રશ્યો, ઘર્ષણ વચ્ચે ગાય નાસતા મહેશ પટેલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત, SSGમાં ખસેડાયા

વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં ભોલેનાથ મંદિરની સામે ગુરુવારે ઢોર પાર્ટીની કામગીરી દરમિયાન એક અતિ ગંભીર અકસ્માત સર્જાયો હતો. રખડતા ઢોરને પકડવા આવેલી ઢોર પાર્ટીના કર્મચારીઓ અને પશુપાલકો વચ્ચે ગાયને છોડાવવા બાબતે ઉગ્ર તુ-તુ-મેં-મેંના દ્રશ્યો સર્જાયા હતા. આ બોલાચાલી અને ઘર્ષણના માહોલ વચ્ચે એક ગાય ભાગી છૂટતા એક કર્મી તેના દોરડામાં ફસાઈ ગયો હતો અને તેને લગભગ 500 મીટર સુધી ઢસડાવું પડ્યું હતું, જેના કારણે તેને શરીર પર ગંભીર ઇજાઓ પહોંચી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા મહાનગરપાલિકાની ઢોર પાર્ટીની ટીમ રખડતા ઢોરને પકડવાની નિયમિત કાર્યવાહી અંતર્ગત ફતેપુરા વિસ્તારમાં આવી હતી. ભોલેનાથ મંદિરની સામેના રોડ પર ટીમે ગાયને પકડતા, ત્યાં હાજર રહેલા પશુપાલકો અને સ્થાનિક લોકોએ તેનો વિરોધ કર્યો હતો. પશુપાલકો ગાયને છોડાવવા માટે ઢોર પાર્ટીના કર્મચારીઓ સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા.
​આ તંગદિલીભર્યા વાતાવરણ વચ્ચે પકડાયેલી એક ગાય ભડકી ઉઠી હતી અને જીવ બચાવવા માટે ઝડપથી નાસી છૂટી હતી. આ દરમિયાન ત્યાં ઊભેલા ઢોર પાર્ટી ના કર્મી મહેશ પટેલ ગાયના ગળામાં બાંધેલું લાંબુ દોરડું અચાનક પગમાં ભરાઈ ગયું હતું. ગાય ઝડપથી દોડતા મહેશભાઈ દોરડામાં ફસાઈ ગયા હતા અને લગભગ અડધો કિલોમીટર (500 મીટર) સુધી રોડ પર ઢસડાયા હતા.
મહેશ પટેલને આ ઘટનામાં શરીરના વિવિધ ભાગો પર ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેમાં હાડકાના ફેક્ચર અને ચામડી છોલાઈ જવાની સંભાવના છે. આ દ્રશ્ય જોઈને આસપાસના લોકો સ્તબ્ધ થઈ ગયા હતા અને તાત્કાલિક તેમને બચાવવા દોડી આવ્યા હતા.
​સ્થળ પર હાજર લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી અને પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે એસ.એસ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ મહેશ પટેલની સ્થિતિ ગંભીર જણાવાઈ રહી છે અને તબીબો દ્વારા તેમની સારવાર ચાલી રહી છે.

Most Popular

To Top