કુંભારવાડાથી વારસિયા રોડ અને ખારી તલાવડી નજીક કાર્યવાહી
શહેરમાં ઢોરવાડાઓની દયનીય સ્થિતિ અને ગંદકીનો મુદ્દો ફરીથી ચર્ચામાં આવ્યો છે. કુંભારવાડાથી વારસિયા રોડ તરફ જવાના માર્ગે અને ખારી તલાવડી નજીક આવેલા ઢોરવાડાઓમાં ગંદકી અને ક્ષમતા કરતા વધુ ઢોર બાંધવાના કેસો સામે આવ્યા છે. મહાનગર પાલિકાના કમિશનર દિલીપ રાણાની સૂચના અને માર્કેટ સુપ્રીટેન્ડન્ટ ડો. વિજય પંચાલના માર્ગદર્શન હેઠળ છેલ્લા કેટલાક દિવસથી ઢોરવાડાઓની ચકાસણી અને કાર્યવાહી ચાલી રહી છે. આ અભિયાન અંતર્ગત આજે કુંભારવાડા અને આસપાસના વિસ્તારના અંદાજે 10થી 12 ઢોરવાડામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન અનેક ઢોરવાડાઓમાં વધુ ઢોર રાખવામાં આવતા અને ખૂબ જ ગંદકીના દ્રશ્ય જોવા મળ્યાં હતા.
સફાઈ અને નિયમોનું પાલન ન થવાને પગલે પાલિકા તંત્રએ કાર્યવાહી કરીને સંડોવાયેલા ઢોરવાડાના માલિકો પાસેથી કુલ રૂ.26,500 દંડ વસૂલ્યો હતો. મહાનગર પાલિકા તંત્ર દ્વારા આવા અવ્યસ્થિત ઢોરવાડાઓ પર કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે. આ અભિયાનથી સ્પષ્ટ થાય છે કે શહેરમાં ઢોરવાડાઓની ગંદકી અને વધતા ઢોરોની સંખ્યા હવે પાલિકાની પ્રાથમિકતામાં છે. આ અભિયાન ચાલુ રહેશે, અને શહેરની સ્વચ્છતા જાળવવા માટે નિયમોની અમલવારી વધુ કડક કરાશે.
