Vadodara

ડ્રેનેજ લાઇનમાં GRP ટેક્નોલોજીનો પહેલો પ્રયોગ : રૂ.91 કરોડના ખર્ચે પ્રોજેક્ટ અમલમાં

મુંબઇ, દિલ્હી, વારાણસીમાં અપનાવાયેલી ટેક્નોલોજી હવે વડોદરામાં

શ્રેણીક પાર્કથી અટલાદરા STP સુધીની 2.60 કિ.મી. લંબાઈમાં ટ્રીન્ચલેસ GRP લાઈનિંગથી કામ શરૂ

શહેરના પશ્ચિમ ઝોનના વોર્ડ નં. 12માં શ્રેણીક પાર્ક સર્કલથી અકોટા-દાંડીયા બજાર બ્રીજ જંકશન થઈને અટલાદરા STP સુધી આવેલી 1800 મીમી વ્યાસની જૂની ડ્રેનેજ ગ્રેવિટી લાઇનના રીહેબીલીટેશન માટે વડોદરા મહાનગરપાલિકાએ રૂ. 91 કરોડનો ખર્ચ કરી રહી છે. અકોટા, મુંજમહુડા, શિવાજી સર્કલ અને બીપીસી રોડ જેવા વિસ્તારોની ડ્રેનેજ લાઇન મુખ્ય નિકાસ લાઇન સાથે જોડાયેલી છે. ગત ચોમાસા દરમિયાન ભારે વરસાદથી આ લાઇન તૂટી ગઈ હતી, જેના કારણે પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ હતી. આ સાથે સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકો માટે સલામતીના પ્રશ્નો પણ ઉભા થયા હતા. વધુમાં છેલ્લા એક વર્ષમાં અહીં વારંવાર ભૂવા પડતા સ્થાનિકો અને રાહદારીઓ પણ હેરાન પરેશના થતા પાલિકા દ્વારા હાલ અહીં કામગીરી શરૂ કરી દેવાઈ છે. આ કામગીરીમાં હાલ હયાત લાઇનમાં ફલો ડાઇવર્ટ કરવાની કામગીરી પ્રગતિ પર છે. કુલ 2600 મીટરમાં થનારી આ કામગીરીમાં સૌથી વધુ જ્યાં ભૂવા પડ્યા હતા ત્યાં એટલે કે મુંજ મહુડા ખાતે કામગીરી શરૂ કરાઈ છે. પાલિકા દ્વારા આ કામમાં અલગ અલગ ભાગ આઇડેન્ટીફાઇ કરવામાં આવ્યા છે એ મુજબ સૌથી વધુ જ્યાં ભંગાણ સર્જાતું હતું એવા 400 મીટરના ભાગમાં હાલ કામગીરી પ્રગતિ પર છે.

સમગ્ર કામગીરી માટે કન્સલ્ટન્ટ M/s NJS India Pvt. Ltd. દ્વારા સૌ પ્રથમ આ પ્રોજેક્ટ માટે સર્વે કરવામાં આવ્યો હતો. આ લાઇનના રીહેબીલીટેશન માટે પાલિકા દ્વારા GRP Type II (ગ્લાસ રેઈનફોર્સ પ્લાસ્ટિક) અપનાવાશે, જે મુંબઇ, દિલ્હી અને વારાણસી જેવા શહેરોમાં પણ અગાઉ ઉપયોગમાં લેવામાં આવી છે. આ પદ્ધતિ મજબૂત અને લાંબા ગાળે ટકાઉ હોવાને કારણે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પસંદ કરવામાં આવી છે. આ કામ માટે 27 જાન્યુઆરી 2025 ના રોજ ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં Welspun Michigan Engineers Ltd. ને કામગીરી સોંપાઈ છે. ટેંડર સ્ક્રુટિની કમિટીએ 20 ફેબ્રુઆરી 2025ના રોજ અંતિમ મંજૂરી આપી હતી. 2.60 કિ.મી. લંબાઈની ડ્રેનેજ લાઇનનું પુનઃસ્થાપન સાથે સુવેજ નિકાલ માટે વધુ સક્રિય અને મજબૂત સિસ્ટમ તૈયાર થશે. આગામી સમયમાં વિસ્તારના લોકોને ઓછી તકલીફ પડે એવું આયોજન પાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે. GRP લાઈનિંગ અને ટ્રીન્ચલેસ ટેક્નોલોજી વડોદરાના ડ્રેનેજ સિસ્ટમ માટે નવા યુગની શરૂઆત સાબિત થશે. મહાનગરપાલિકા આ પ્રોજેક્ટને ઝડપથી પૂર્ણ કરીને શહેરવાસીઓને સુવિધા ઉપલબ્ધ કરાવશે.

ડ્રેનેજ રિહેબિલિટેશન પછી માર્ગ પર ભૂવા અને ભંગાણથી મુક્તિ મળશે : પાલિકા

વડોદરા મહાનગર પાલિકાના દાવા મુજબ, અકોટા, મુંજમહુડા, શિવાજી સર્કલ અને બીપીસી રોડ સહિતના વિસ્તારોની ડ્રેનેજ લાઇનના રિહેબિલિટેશન બાદ આ માર્ગ પર કાયમી ધોરણે ભૂવા પડવાની તથા રોડ પર ભંગાણ સર્જવાની સમસ્યાનું કાયમી નિવારણ આવશે. વધુમાં ચોમાસા દરમિયાન પણ પાલિકા દ્વારા શક્ય હશે તો કામગીરી ચાલુ રાખવામાં આવશે જેથી વેહલી તકે આ કામ પૂર્ણ થાય. હલજુની લાઇનમાં પણ આ માર્ગ પર જ્યાં જ્યાં ભંગાણ સર્જાયા છે ત્યાં આ જ કામની સાથે સાથે તેને રિપેર કરવાની કામગીરી પણ કરાઇ રહી છે. વધુમાં 40 થી વધુ જૂના ચેમ્બર્સને પણ નવા બનાવવાની કામગીરી કરાશે. સમગ્ર કામગીરી પૂર્ણ કરવાની સમયમર્યાદા એક વર્ષની છે જો કે પાલિકાના ડ્રેનેજ વિભાગ આ કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે કમર કસી રહી છે.

Most Popular

To Top