Vadodara

ડ્રેનેજ ચોકઅપ, પીવાનું પાણી દૂષિત: ગદાપુરા વુડા આવાસોમાં રોષ ભભૂક્યો!

મ્યુ. કોર્પોરેશનની ઘોર અવગણનાથી રહીશોમાં આક્રોશ: સમસ્યા નહીં ઉકેલાય તો ‘ચૂંટણી બહિષ્કાર’ની ચીમકી!

વડોદરા શહેરના વોર્ડ નં. 11માં સમાવિષ્ટ ગદાપુરા વિસ્તારમાં આવેલ વુડાના 576 જેટલા આવાસોના રહીશોએ ડ્રેનેજ અને પીવાના પાણીની મૂળભૂત સુવિધાઓના અભાવે આજે સત્તાવાળાઓ સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો ઉકેલ ન આવતા આખરે સ્થાનિકોએ એકઠા થઈને હોબાળો મચાવ્યો હતો અને જો તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
રહીશોના જણાવ્યા અનુસાર, ગદાપુરાના વુડા આવાસોમાં કુલ 576 જેટલા પરિવારો વસવાટ કરે છે. અહીં છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજ લાઈનો સંપૂર્ણપણે ચોકઅપ થઈ ગઈ છે. જેના પરિણામે ગંદુ પાણી આસપાસના વિસ્તારોમાં ફેલાઈ ગયું છે અને ચોમેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આ ગંદકીના કારણે સ્થાનિકોના અવરજવરમાં તો મુશ્કેલી પડી જ રહી છે, પરંતુ તેમના દૈનિક જીવન પર પણ ગંભીર અસર પડી છે.
સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, ડ્રેનેજની સમસ્યાની સાથે સાથે પીવાના પાણીની સમસ્યા પણ એટલી જ ગંભીર છે. લોકોને દૂષિત પીવાનું પાણી મળી રહ્યું છે, જેના કારણે વિસ્તારમાં રોગચાળો ફેલાવાનો ભય ઊભો થયો છે. ખાસ કરીને નાના બાળકો અને સિનિયર સિટીઝન પર આ દૂષિત પાણીની વધુ અસર પડી રહી છે. રહીશોનો સ્પષ્ટ આક્ષેપ છે કે, દૂષિત પાણીના કારણે લોકો બીમાર પડી રહ્યા છે.
સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે, ડ્રેનેજ અને પાણીની આ ગંભીર સમસ્યાઓ અંગે તેમણે વારંવાર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે. તેમ છતાં કોર્પોરેશન તરફથી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. સતત અવગણનાના કારણે સ્થાનિકોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે.

તાત્કાલિક નિરાકરણની માંગ, નહીં તો ચૂંટણી બહિષ્કાર…
આજે એકઠા થયેલા રોષે ભરાયેલા રહીશોએ મ્યુ. કોર્પોરેશનના સત્તાવાળાઓને ચેતવણી આપતા જણાવ્યું હતું કે, જો પાણી અને ડ્રેનેજની આ મૂળભૂત સમસ્યાઓનું તાત્કાલિક અને કાયમી નિરાકરણ કરવામાં નહીં આવે, તો આ વિસ્તારના તમામ રહીશો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરશે. સ્થાનિકોની આ ચીમકીથી મ્યુ. કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓ પર તાત્કાલિક કાર્યવાહી કરવાનું દબાણ વધ્યું છે.

Most Popular

To Top