Vadodara

ડ્રેનેજના પાણીએ કાશી વિશ્વનાથ મંદિરનું તળાવ ‘ગટર’ બનાવ્યું!

અસહ્ય દુર્ગંધથી શ્વાસ લેવો મુશ્કેલ’: વોર્ડ 13ના નગરસેવક બાળુ સુરવેનો પાલિકા પર સણસણતો આક્ષેપ, ‘વિકાસ માત્ર કાગળ પર!’

વડોદરા : શહેરના વોર્ડ નંબર 13માં આવેલા સુપ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલા તળાવમાં ગટર અને ડ્રેનેજનું ગંદુ પાણી નિયમિતપણે છોડવામાં આવતું હોવાથી સમગ્ર વિસ્તારમાં અસહ્ય અને માથું ફાડી નાખે તેવી દુર્ગંધ ફેલાઈ છે. ડ્રેનેજના પાણીને કારણે તળાવ હદ બહારની ગંદકીમાં ફેરવાઈ ગયું છે, જેનાથી સ્થાનિકો, મંદિરના શ્રદ્ધાળુઓ અને આ રસ્તેથી પસાર થતા હજારો લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ ગંભીર સમસ્યાને લઈને વોર્ડ નં. 13ના સ્થાનિક નગરસેવક બાળુ સુરવેએ પાલિકાના વહીવટ પર સખત નારાજગી વ્યક્ત કરી છે અને પાલિકાના સત્તાધીશોના તળાવ સફાઈના દાવાને પોકળ ગણાવ્યા છે.
નગરસેવક બાળુ સુરવેના આક્ષેપ મુજબ, તળાવમાં છોડાતા ગંદા પાણી અને ગંદકીના કારણે મચ્છરો, માખીઓ અને જીવ-જંતુઓનો ત્રાસ એટલો વધી ગયો છે કે આસપાસની સોસાયટીઓ અને રહેણાક વિસ્તારના લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે. તેમણે જણાવ્યું હતું કે, ગંદકી અને મચ્છર-માખીના કારણે વિસ્તારમાં બીમારીઓ ફેલાઈ રહી હોવાની ગંભીર ફરિયાદ છે. તળાવમાં ડ્રેનેજનું પાણી છોડવાથી માત્ર તળાવ જ ખરાબ નથી થતું, પરંતુ આસપાસના વિસ્તારમાં શ્વાસ લેવો પણ મુશ્કેલ બની ગયો છે.
નોંધનીય છે કે, જ્યાં આ સમસ્યા સર્જાઈ છે ત્યાં બાજુમાં જ ભોલેનાથનું કાશીવિશ્વનાથ મંદિર આવેલું છે, જ્યાં રોજ હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. એટલું જ નહીં, આ રસ્તા પરથી શહેરના ધારાસભ્યો, પાલિકાના ઉચ્ચ અધિકારીઓ, દંડક અને સત્તા પક્ષના કેટલાય નેતાઓ રોજ અવરજવર કરતા હોય છે. તેમ છતાં, કોઈને આ તળાવની કે વિસ્તારના લોકોની હાલાકીની પરવા નથી તેવો આક્ષેપ બાળુ સુરવેએ કર્યો છે. સુરવેએ પાલિકાના વહીવટ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, પાલિકા તંત્ર લાખોના વિકાસના કામોની માત્ર જાહેરાતો કરે છે, પરંતુ હકીકતમાં વિકાસ માત્ર કાગળ પર જ થાય છે. તળાવ સાફ કરાવવાની પાલિકાના સત્તાધીશોની વાતો પોકળ સાબિત થઈ રહી છે.
નગરસેવક બાળુ સુરવેએ વધુમાં જણાવ્યું હતું કે, સોમવારે યોજાયેલી સામાન્ય સભામાં પણ તેમણે આ ગંભીર મુદ્દો મેયર અને મ્યુનિસિપલ કમિશનર સમક્ષ ઉઠાવ્યો હતો. તેમ છતાં, આ અંગે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.
તેમણે ભારપૂર્વક માંગણી કરી છે કે, “આ વિસ્તારમાં માંડ બે-ત્રણ તળાવ બચ્યા છે, અને અમારો પ્રયાસ તેમને બચાવવાનો છે. પાલિકા તંત્ર તાત્કાલિક અસરથી ડ્રેનેજનું પાણી તળાવમાં છોડવાનું બંધ કરાવે અને તળાવને સફાઈ કરાવીને સ્વચ્છ બનાવે.”
​જો પાલિકા તંત્ર દ્વારા આ મામલે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો સ્થાનિક રહીશો અને નગરસેવક દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવે તેવી સંભાવના છે.

Most Popular

To Top