ભાજપ શહેર પ્રમુખની વરણીને લઇને આંતરિક જૂથો વચ્ચે અસ્તિત્વ અને પ્રતિષ્ઠાનો જંગ શરૂ
ગુરુવારે એક વૈભવી બંગલામાં ભાજપના એક જૂથની બેઠકમાં રાજકીય ખેલના મંડાણ થયા
શહેરના ભાજપના અસંતુષ્ટ જૂથે ખાનગી હોટલમાં બેઠક યોજવા મેસેજ/ ફોન કર્યા પરંતુ ગુપ્ત બેઠક જાહેર થઈ જતાં રાજ્કીય શોકના બહાને બેઠક મુલતવી રખાઈ
વડોદરા શહેર ભાજપમાં શરૂ એક બીજાને પાડી દેવા શરૂ થયેલા યુદ્ધમાં શુક્રવારે એક હોટલમાં ગુપ્ત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આ વાત લીક થઈ જતા ડૉ. મનમોહનસિંહના અવસાનના રાજકીય શોકના બહાને આ બેઠક મુલતવી રાખવામાં આવી હતી.
ભારતીય જનતા પાર્ટી, વડોદરા શહેર અને જિલ્લામાં તાજેતરમાં વોર્ડ પ્રમુખોની નિમણૂંક કરવામાં આવી છે. તે અગાઉ ભાજપના રાજકીય અગ્રણીઓએ,નેતાઓએ પોતાના માનીતાઓના નામો આગળ કરવા માટે એડિચોટીનુ જોર લગાવી દીધું હતું. જેમાંથી કેટલાકના પાના સીધા પડ્યા હતા તો કેટલાકની ગણતરી ઉંધી પડી હતી. ત્યારબાદ હવે શહેર પ્રમુખ માટેની ખેંચતાણ શરૂ થઇ ગઇ છે. જેના પગલે વડોદરા શહેર ભાજપમાં જૂથો વચ્ચે આંતરિક કલહ શરુ થઇ ગયો છે. ચૂંટાયેલા વોર્ડ પ્રમુખો અને કાર્યકરોનો એકબીજા સામે હવે રીતસરનો પોસ્ટર અને સોશિયલ મીડિયા પર વોર શરૂ થઇ ગયો છે. કેટલાક સિનિયર ધારાસભ્યો તથા પૂર્વ હોદેદારો સહિતના નેતાઓ, પદાધિકારીઓ શહેર પ્રમુખ સામે ‘નો રિપીટ થિયરી’ લાવવા માટે સક્રિય થયા હોવાનું જાણવા મળ્યું છે. ગુરુવારે એક વૈભવી બંગલામાં ભાજપના કેટલાક ધારાસભ્યો, હોદ્દેદારો, વરિષ્ઠ કાર્યકરો અને કાઉન્સિલરોની ખાનગી બેઠક યોજાઇ હતી અને ત્યારે જ વડોદરાનું આંતરિક જૂથબંધી સાથેનું ચાલી રહેલું રાજકારણ સામે આવતાં રાજકીય મોરચે ખળભળાટ મચી ગયો છે. જેના કારણે ભાજપના મોવડી મંડળ પણ નજર રાખી રહ્યું છે. ગુરુવારે સાંજથી પૂર્વ નેતાઓ, સિનિયર ધારાસભ્યો તથા પૂર્વ પદાધિકારીઓ દ્વારા ફોન કરીને પક્ષના કેટલાક ધારાસભ્યો, પૂર્વ અને વર્તમાન કાઉન્સિલરો, પૂર્વ અને વર્તમાન પદાધિકારીઓ, સિનિયર વરિષ્ઠ કાર્યકરો ને શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા ભીમનાથ બ્રિજ પાસેની એક ખાનગી હોટલમાં સાંજે છ વાગ્યે હાજર રહેવા જણાવવામાં આવ્યું હતું. અહીં એક ગુપ્ત બેઠક યોજાવાની હતી, પરંતુ આ ગુપ્ત બેઠક કોઇપણ રીતે છૂપી ન રહેતા જાહેર થઈ ગઈ હતી. જેના કારણે આ બેઠકમાં ઉપસ્થિત રહેનાર સિનિયર અને મોટા નેતાએ દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ.ડો. મનમોહન સિંહના નિધનને પગલે રાષ્ટ્રીય શોકનું કારણ આગળ કરીને વિવાદથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું. જ્યારે પૂર્વ મેયર જિગિષાબેન શેઠ, સિનિયર આગેવાનો કિરણભાઇ,નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ મીનાબા પરમાર સહિતના કેટલાક પૂર્વ અને વર્તમાન મ્યુનિસિપલ કાઉન્સિલરો આ હોટેલ પર પહોંચ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ શહેરમાં ભારતીય જનતા પાર્ટીના કરોડોના ખર્ચે નવિન કાર્યાલય ‘નમો કમલમ્’ નો શુભારંભ કરવામાં આવ્યો છે અને અહીં આટલી વિશાળ બેઠક વ્યવસ્થા હોવા છતાં ભાજપના અલગ અલગ જૂથો ગુરુવારે એક બંગલા ખાતે તેમજ શુક્રવારે શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા ભીમનાથ બ્રિજ નજીક ખાનગી હોટલમાં બીજા જૂથ દ્વારા ગુપ્ત બેઠકો રાખવા પાછળનું કારણ શું છે તે હાલ શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બની છે.કેટલાક સિનિયર કાર્યકરોએ ધાર્મિક બેઠક હોવાનું જણાવ્યું હતું . પરંતુ જ્યારે પત્રકારોએ પૂર્વ મેયર ડો.જિગિષાબેન શેઠ, પૂર્વ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા ના અધ્યક્ષ મીનાબા પરમાર સહિતના સિનિયર કાર્યકર કિરણભાઇ સાથે વાતચીત કરતાં દરેકના અલગ અલગ કારણો હતા. પરંતુ વડોદરા શહેરમાં શહેરના પ્રમુખ માટે ખેંચતાણ શરૂ થઇ હોય તેમ જણાય છે.શિસ્તને વરેલી પાર્ટીમાં આંતરિક જૂથબંધી હવે ધીમે ધીમે સામે આવી છે. ત્યારે ભાજપનું મોવડી મંડળ પણ સતર્ક બન્યું છે.આ ઉકળતો ચારુ આગામી દિવસોમાં નવાજૂનીના એંધાણ સર્જે તો નવાઇ નહીં.પરંતુ આજે એકાદ બે લોકોને છોડી કોના દ્વારા આ આમંત્રણ આપવામાં આવ્યું હતું તે બાબતે કોઇએ પણ મગનું નામ મરી પાડ્યું ન હતું. રાજકીય નેતાઓએ રાષ્ટ્રીય શોકનું કારણ જણાવી પોતાને વિવાદથી દૂર રહેવાનું જ મુનાસીબ માન્યું હતું.
*મતભેદ હોઈ શકે પરંતુ મનભેદ નથી, મતભેદનુ નિવારણ લાવી શકાય છે.*
પાર્ટી લેવલે નવા વોર્ડ પ્રમુખોની વરણી કરવામાં આવી છે. તેઓના માનમાં એક ગેટ ટુ ગેધર જેવું રાખવામાં આવ્યું હતું .એટલે હું આવી છું. પરંતુ બીજા કયા મુદે બેઠક છે તેની મને ખબર નથી કે મારી પાસે એવો કોઈ એજન્ડા નથી.પક્ષમા મતભેદ હોઈ શકે જેનું નિવારણ થઈ જતું હોય છે પરંતુ મનભેદ નથી હું છેલ્લા ત્રીસ વર્ષથી પાર્ટી સાથે જોડાયેલી છું પાર્ટીએ જે જવાબદારી આપી છે તે સુપેરે નિભાવી છે. પરિવર્તન એ કુદરતનો નિયમ છે.મને કોઇનાથી નારાજગી નથી. હાઇકમાન્ડ ને ખબર હોય જ.
*-ડો.જિગિષાબેન શેઠ-પૂર્વ મેયર, વડોદરા*
પાર્ટીના વિકાસ માટે તથા આખા વર્ષ દરમિયાન કયા કાર્યક્રમ માટે કોને શું જવાબદારી આપવી તે માટે બેઠક હતી
“હું બહાર હતી. મારી પાસે બે ફોન છે. જેમાંથી એક ફોન બીએસએનએલ વાળો દીકરી પાસે હતો. તેણે મને જણાવ્યું કે મેસેજ છે કે આ હોટેલ પર આવવાનું છે એટલે આવ્યા છીએ અને અહીં પાર્ટીના આગામી આખા વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો અંગેની જવાબદારી સોપવા બાબતે બેઠક હતી.પ્રમુખ નો રિપીટ કે એ બાબતે કોઈ ચર્ચા જ નથી એવો કોઇ વિષય નથી
મીનાબા પરમાર -પૂર્વ અધ્યક્ષ,નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા
શુક્રવારે બપોર સુધી કોલ કર્યા, સાંજે આદેશ આવતા બેઠક મોકૂફ રખાઈ
ડો. મનમોહનસિંહના શોકના કારણે બેઠક મોકૂફ રાખવામાં આવી હોવાનું બહાનું આગળ કરાયું, પરંતુ જાણકાર સૂત્રોના જણાવ્યા અનુસાર શુક્રવારે બપોર સુધી કેટલાક આગેવાનોને બેઠકમાં હાજર રહેવા કોલ કરવામાં આવ્યા હતા. ભાજપના એક અગ્રણીના પિતાનું અવસાન થયું હતું તેમા સ્મશાનમાં હાજર રહેલા કેટલાક લોકોને પણ એક નેતા દ્વારા સાંજે સયાજી હોટેલમાં હાજર થવા કહેવાયું હોવાની માહિતી મળી રહી છે. જોકે, સાંજે પ્રદેશમાંથી સૂચના આવતા આ બેઠક મોકૂફ રાખવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.