વિશ્વ સમક્ષ આતંકવાદ મામલે હકીકત રજૂ કરવાનું ભારતનું મિશન સફળ થયું
સાંસદ ડૉ. હેમાંગ જોશી ગ્લોબલ આઉટરીચ મિશનના ભાગરૂપે જાપાન અને દક્ષિણ-પૂર્વી દેશોની મુલાકાતે ગયા હતા
પહેલગામમાં થયેલા આતંકી હુમલા પછી ભારતે “ઓપરેશન સિંદૂર” ચલાવ્યું અને આતંકીઓના ઠેકાણા નષ્ટ કર્યા. આ પછી ભારતે દુનિયાભરના દેશોને સમજી શકે તેવા શબ્દોમાં કહી દીધું કે હવે ભારત પર હુમલો થશે તો તેનો તાત્કાલિક અને કડક જવાબ મળશે. વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોશી ગ્લોબલ આઉટરીચ મિશનના ભાગરૂપે જાપાન અને દક્ષિણ-પૂર્વી દેશોની મુલાકાતે ગયા હતા. તેઓ સંજય કુમાર ઝાની આગેવાનીમાં ગયેલા સંસદીય પ્રતિનિધિમંડળમાં સામેલ હતા. વિદેશ પ્રવાસ પરથી પરત આવ્યા પછી ડૉ હેમાંગ જોશીએ જણાવ્યું કે, “આ ઓપરેશન બાદ ઘણા દેશોએ ભારતના પગલાનું સમર્થન કર્યું છે. સોશ્યલ મીડીયા પર ખોટી માહિતી ફેલાવવાનો પ્રયાસ થયો હતો, પરંતુ અમારું મિશન દુનિયાને સાચી વાત કહેવા માટે હતું.” વધુમાં તેમણે કહ્યું કે, “પાકિસ્તાનમાં સરકારની નહીં પણ સેનાનુ વર્ચસ્વ છે. ત્યાંના લોકો પોતાનો ભરોસો ગુમાવી ચૂક્યા છે. પાકિસ્તાને ભારતને ધર્મના નામે ભાગલા પાડવા પ્રયત્નો કર્યા, પણ આપણે દેશના નાગરિકોએ એકતા જાળવી રાખી.”
હેમાંગ જોશીએ ઉમેર્યું કે, “આપણે હુમલાનો જવાબ આપતી વખતે માત્ર આતંકી કેમ્પ જ નહીં, પાકિસ્તાની સેના સંબંધિત ગઠનને પણ નુકસાન પહોંચાડ્યું. પાકિસ્તાને પછીથી રાતે સીઝફાયર માટે ફોન કર્યો. આપણે દુનીયાને કહ્યુ કે આતંકને સહન નહીં કરીએ.” તેમના મતે, ભારતના પ્રતિનિધિમંડળે વિશ્વના વિવિધ દેશોમાં જઈને પાકિસ્તાનના બેવડા ચહેરાનો પર્દાફાશ કર્યો. “ઘણા દેશો ઇસ્લામિક હોવા છતાં ભારત સાથે છે. કોઈ દેશ આતંકવાદી પ્રવૃત્તિનો સપોર્ટ કરવા નથી માંગતો.” હેમાંગ જોશીએ અંતે કહ્યું કે, “અમે સ્પષ્ટ કરી દીધું છે કે ભવિષ્યમાં પણ જો પાકિસ્તાન એવી હરકત કરશે તો ભારત ચુપ નહિ બેસે, પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપશે.”