યુવકને માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી
પ્રથમ સારવાર સીએસસી ડેસર ખાતે કરાવી વધુ સારવાર માટે વડોદરાના એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવ્યો હતો
(પ્રતિનિધિ) વડોદરા તા. 20
સાવલી તાલુકાના ઇટવાડ ગામના યુવકનું ગત તા. 18 મી જાન્યુઆરીના રોજ સવારે ડેસર રોડ ખાતે મોટરસાયકલ પર પસાર થતી વેળાએ અચાનક ભૂંડ આવી જતાં અકસ્માત સર્જાયો હતો જેમાં યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જેથી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરુરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલા ડેસર રોડ ખાતેના ઇટવાડ ગામમાં રહેતા જયેન્દ્રસિંહ જસવંતસિંહ પરમાર નામના આશરે 32 વર્ષીય યુવક ગત તા. 18 મી જાન્યુઆરીના રોજ સવારે 6 થી 6:30 વાગ્યાના સુમારે પોતાની મોટરસાયકલ લઈને કામ પર જવા નિકળ્યો હતો તે દરમિયાન ડેસરવાળા રોડ પર અચાનક મોટરસાયકલ સામે ભૂંડ આવી જતાં યુવક ઇજાગ્રસ્ત થયો હતો જેમાં યુવકને માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી બનાવને પગલે કેટલાક રાહદારીઓ દ્વારા ઇજાગ્રસ્ત યુવકને પ્રથમ સારવાર અર્થે સીએસી હોસ્પિટલ ડેસર ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ઇજાગ્રસ્ત યુવકની તબિયતમાં સુધારો ન થતાં તેને ડેસર થી રીફર કરી ગત તા. 18મી જાન્યુઆરીના રોજ બપોરે 12 કલાકે વડોદરા શહેરના એસ.એસ.જી.હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં ગત તારીખ 19મી જાન્યુઆરીના રોજ રાત્રે 9 કલાકે એસ.આઇ.સી.યુ. સર્જીકલ વિભાગના જી.એચ. યુનિટમા તેનું મોત નિપજ્યું હતું જેથી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરુરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.